ગીરના સાવજોનું ફોટોશૂટ કરતાં PM મોદી: વડાપ્રધાને સાસણ ગીરમાં કર્યા સિંહ દર્શન, જુઓ તસવીરો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે ત્યારે આજે વહેલી સવારે PM નરેન્દ્ર મોદી સાસણ ગીરની મુલાકાતે આવ્યા છે,સાસણ ગીરમાં PM મોદીએ સિંહ દર્શન કર્યા છે,PM મોદીએ 6થી વધારે સિંહના દર્શન કર્યા છે.

PMએ પ્રથમ 2 નર સિંહના કર્યા દર્શન અને બાદમાં સિંહ પરિવારના PMએ કર્યા દર્શન.ભંભાફોલ નાકા પાસેથી ખુલ્લી જીપ્સીમાં સિંહ દર્શન કર્યા હોવાની વાત સામે આવી છે,તો પીએમ મોદીએ સોશિયલ મીડિયામાં ફોટો પણ શેર કર્યા છે.

લાયન સફારી પાર્કમાં સિંહ દર્શન બાદ વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે ફોરેસ્ટ મહિલા બીટ ગાર્ડને પેટ્રોલિંગ માટે બાઇક વિતરણ પણ કરાશે. ઉપરાંત, વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં 7મી રાષ્ટ્રીય વન્ય જીવ બોર્ડ બેઠક યોજાશે.

હોદ્દાની રૂએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડના પણ અધ્યક્ષ છે.. જેના કારણે જ તેઓ બેઠકમાં ભાગ લેવા સાસણ પધાર્યા છે.. ગુજરાતમાં વધનારી સિંહોની વસતીને જોતાં પ્રોજેક્ટ હેઠળ 8 સેટેલાઇટ સિંહ વસવાટ કેન્દ્રોમાં હોસ્પિટલ સહિતની સુવિધાઓનું લોકાર્પણ કરશે.

2007માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી પીએમ મોદીએ
ગુજરાતમાં સાસણગીરમાં વસતા એશિયાઇ સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીર ક્ષેત્રના સર્વાંગી વિકાસ માટે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક પ્રયાસો કર્યા હતા.

તેમણે પોતે વર્ષ 2007માં ગીરના જંગલ વિસ્તારની મુલાકાત લીધી હતી, અને ત્યાંની પરિસ્થિતિ અંગે માહિતી મેળવી હતી. ત્યારબાદ, તેમણે ગિર વિસ્તારના સમગ્ર વિકાસ માટે, સિંહોના સંરક્ષણ માટે તેમજ ગીરની વન્યજીવસૃષ્ટિની જાળવણી માટેના ભગીરથ પ્રયાસો આદર્યા હતા.


નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ 2007માં લેવામાં આવેલા મુખ્ય પગલાંઓ
2007માં થયેલા સિંહોના શિકારની ઘટના પછી, ગુજરાત સરકારે જૂનાગઢમાં ગ્રેટર ગીર વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ટાસ્ક ફોર્સ ડિવિઝનની સ્થાપના કરી, જેનો હેતુ વન્યજીવ ગુનાઓ પર દેખરેખ રાખવાનો, ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો અને એશિયાઇ સિંહો તેમજ એશિયાઇ સિંહોના ક્ષેત્રમાં વસતા અન્ય વન્યજીવોના સંરક્ષણને મજબૂત બનાવવાનો હતો.નરેન્દ્ર મોદીએ બૃહદ્ ગીરની સંકલ્પના આપી, જેમાં ગીર એટલે ફક્ત ગીર નેશનલ પાર્ક અને સેન્ચુરી જ નહીં, પરંતુ બરડાથી લઇને બોટાદ સુધીનો 30 હજાર ચોરસ કિમીમાં ફેલાયેલો વિસ્તાર, જ્યાં એશિયાઇ સિંહોની વસ્તી જોવા મળે છે. શ્રી મોદીએ બૃહદ્ ગીરના વિકાસની સાથે ત્યાંના સ્થાનિક લોકોનો વિકાસ પણ સુનિશ્ચિત કર્યો છે.