રાજકોટના અમિન માર્ગ પરના પ્લોટનું રૂ.106 કરોડમાં વેચાણ: ચાર બિલ્ડર વચ્ચે તીવ્ર હરીફાઈ બાદ આખરે પ્રાઇડ ક્નસ્ટ્રક્શને બાજી મારી
રાજકોટ મહાપાલિકા દ્વારા થોડા સમય પહેલાં અમીન માર્ગ કૉર્નર સહિત ચાર પ્લોટની ઓનલાઈન હરાજી કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે પ્રમાણે બુધવારે એકમાત્ર અમિન માર્ગ પરના પ્લોટની હરાજી બપોરે એક વાગ્યાથી શરૂ કરવામાં આવી હતી. આ પ્લોટ ખરીદવા માટે ચાર લોકોએ રસ દાખવી હરાજીમાં ભાગ લીધો હતો. સાંજે સાંજે 7:30 વાગ્યા આસપાસ હરાજી પૂર્ણ થતાં પ્લોટની અપસેટ પ્રાઈસ 93 કરોડ સામે 106 કરોડ રૂપિયા ઉપજ્યા હતા. આ પ્લોટને પ્રાઈડ ક્નસ્ટ્રક્શન દ્વારા ખરીદવામાં આવ્યો હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.
આ અંગે ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર (સેન્ટ્રલ ઝોન) એસ.ડી.ગોહેલે જણાવ્યું કે અમીન માર્ગ-150 ફૂટ રિંગરોડ કોર્નર પરના આ પ્લોટનું કુલ ક્ષેત્રફળ 4669 ચોરસમીટર છે. આ પૈકી પ્રતિ ચો.મી. 2 લાખ રૂપિયા અપસેટ પ્રાઈસ રાખવામાં આવી હતી. પ્લોટ ખરીદવા માટે ચાર લોકોએ ભાગ લીધો હતો. રસ દાખવનાર દરેક વ્યક્તિને પાંચ મિનિટમાં બીડ કરવાનો સમય આપવામાં આવ્યો હતો. આ હરાજી સંપૂર્ણપણે ઓનલાઈન હોય પાંચ મિનિટની અંદર બીડ થાય એટલે હરાજી આગળ વધતી હતી. આ પ્રમાણે એક વાગ્યાથી શરૂ થયેલી હરાજી મોડી સાંજે 7:30 વાગ્યા આસપાસ પૂર્ણ થઈ હતી અને પ્લોટની 106 કરોડ રૂપિયામાં ખરીદી પ્રાઈડ ક્નસ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો :ઇન્કમટેક્સ વિભાગ એક્શન મોડમાં: રાજકોટમાં પ્રયોશા જવેલર્સમાં તપાસ, ઝવેરીઓમાં ફફડાટ, તપાસ બાદ સર્વે સર્ચમાં પલટાઇ જાય તેવી શક્યતાઓ
આ પ્લોટની પ્રતિ ચોરસમીટર અપસેટ પ્રાઈસ 2 લાખ રૂપિયા નક્કી કરાઈ હતી જેની સામે પ્રાઈડ ક્નસ્ટ્રક્શન દ્વારા 2,27,500 રૂપિયાનો ભાવ આપવામાં આવતા તે ભાવ સૌથી વધુ હોય તેને પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું હતું.
જ્યારે અન્ય પ્લોટ જેમાં રૈયા મેઈન રોડ, ફિલ્ડ માર્શલ રોડ અને એચસીજી હોસ્પિટલ રોડના પ્લોટ અંગે તેમણે જણાવ્યું હતું કે આ પ્લોટ ખરીદવા માટે કોઈ વ્યક્તિ ન આવતા હવે થોડા સમય બાદ ફરી હરાજી અંગેની તારીખ જાહેર કરવામાં આવશે.
શોપિંગ સેન્ટરની 10 દુકાનની 1.85 કરોડ અપસેટ પ્રાઈસ સામે તંત્રને 2.96 કરોડ ઉપજ્યા
મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા મવડી રોડ પર નિર્માણ પામેલી લાલુભાઈ પારેખ ટાઉનશિપમાં શોપિંગ સેન્ટરની કુલ દસ દુકાનોનીહરાજી કરવામાં આવી હતી જેમાં 100થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ દસેય દુકાનની અપસેટ પ્રાઈસ કુલ 1.85 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી જેની સામે 2.96 કરોડ રૂપિયા ઉપજ્યા હતા.
