બાળકોના જીવ સાથે રમત !! વડોદરાના ક્રિસમસ મેળામાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ખુલી જતા બાળકો નીચે પટકાયા
વડોદરાના માંજલપુરમાં ચાલી રહેલા ક્રિસમસના મેળામાં દુર્ઘટના સર્જાઇ હતી. શહેરના લાલબાગ બ્રિજ નજીક ક્રિસમસના મેળામાં હેલિકોપ્ટર રાઈડનો દરવાજો ચાલુ રાઈડે ખુલી જતાં રાઈડમાં બેસેલા 2થી વધુ બાળકો નીચે પટકાયા હોવાની માહિતી મળી રહી છે. રાત્રીના સમયે બાળકો રાઈડની મજા લેતા હતા એ દરમિયાન ચાલુ રાઈડે દરવાજો ખૂલી જતાં અફરાતફરી મચી ગઈ હતી.
સેફટીના અભાવે રાઈડમાં દરવાજા ખુલી ગયા હોવાની વાતો વહેતી થઇ છે. ઘટના બાદ રાઈડ સંચાલક સ્થળ પરથી પલાયન થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ ઘટનાને પગલે દોડધામ મચી છે. સંચાલક દ્વારા તાત્કાલિક રાઈડ બંધ કરી દેવાઈ હતી. હાલ, આ ઘટનાના પગલે વાલીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ તંત્ર પણ દોડતું થયું છે. તંત્ર દ્વારા તાત્કાલિક આનંદ મેળો બંધ કરાવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે લે TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ તાજેતરમાં જ બાળ મેળા અને ગેમઝોનને સરકાર તરફથી છૂટ આપવામાં આવી છે. આ મુક્તિ પાછળ સુરક્ષા અને સલામતીના અનેક નિયમોનું પાલન કરવા અંગે પણ સરકાર તરફથી કડક સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે આ ઘટના બાદ પણ હજી વડોદરાનું તંત્ર સુધર્યું નથી તેવું લાગી રહ્યું છે.