સૌરાષ્ટ્રના દરિયામાં ક્રુઝ ટુરીઝમ શરુ કરવા ચક્રો ગતિમાન : દીવ, પોરબંદર, દ્વારકા, જામનગર અને પડાલા ટાપુને આવરી લેવાશે
દેશમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત ક્રૂઝ ભારત મિશનનું નેતૃત્વ કરનારું પ્રથમ રાજ્ય બની ગયું છે. આ ક્રૂઝ ભારત મિશન માટે ક્રૂઝ શિપિંગ પોલિસીની રૂપરેખા નક્કી કરવાના ઉદ્દેશથી ગુજરાત મેરીટાઇમ બોર્ડે એક-દિવસીય વર્કશોપનું આયોજન કર્યું હતું,

આ વર્કશોપમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચીફ નોટિકલ ઑફિસર (HQ) કૅપ્ટન બંશીવા લાડવા, GMBના વાઇસ ચૅરમૅન અને સીઈઓ રાજકુમાર બેનીવાલએ મહત્વનું સંબોધન કર્યું હતું. તેમણે રાજ્યની વધી રહેલી દરિયાઈ ક્ષમતાઓ તેમજ ઊભરતા ક્રૂઝ ટુરિઝમ ક્ષેત્રની આર્થિક તકો પર ભાર મૂક્યો હતો.

વર્કશોપના પ્રથમ સત્રમાં ભવિષ્યમાં ક્રૂઝ ક્ષેત્રે રહેલી સંભાવનાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સત્ર સહભાગીઓ અને ઉદ્યોગના દિગ્ગજો વચ્ચે વિચારોનું આદાન-પ્રદાન કરવા માટે મહત્વનું માધ્યમ બન્યું હતું.
ક્રૂઝ ભારત મિશનના ભાગ રૂપે, ગુજરાતે તેના પશ્ચિમ કિનારા પર વિવિધ સંભવિત ક્રૂઝ સર્કિટનો પ્રસ્તાવ મૂક્યો હતો તેમાં દીવ, વેરાવળ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા અને પડાલા ટાપુ જેવા મુખ્ય સ્થળો તેમજ કાર્યરત ઘોઘા-હઝીરા રો-પેક્સ સેવાનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો : રાજસ્થાનના રતનગઢમાં વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ : પાઇલટ સહિત 2 લોકોના મોત, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે
પ્રસ્તાવિત રૂટને ત્રણ ક્લસ્ટરમાં વિભાજિત કરવામાં આવ્યા છે:
- પડાલા ટાપુ- કચ્છનું રણ
- પોરબંદર-વેરાવળ-દીવ
- દ્વારકા-ઓખા-જામનગર
દરેક ક્લસ્ટર પ્રવાસનને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવ્યું છે. ખાસ તો, એ ક્લસ્ટરના 100 કિમીની અંદર મુખ્ય ધાર્મિક, નૈસર્ગિક અને સાંસ્કૃતિક સ્થળોનો સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે, જેથી ક્રૂઝ મુસાફરોને વધુ આકર્ષણ અને મનોરંજનના વિકલ્પો મળી રહે.આ વર્કશોપના માધ્યમથી ગુજરાત માટે એક વ્યાપક, કાર્યક્ષમ ક્રૂઝ ટુરિઝમ નીતિ ઘડાય તેવી અપેક્ષા છે. સ્પષ્ટ વિઝન, સરકારના સમર્થન અને વ્યૂહાત્મક માળખાગત યોજનાઓ સાથે ગુજરાત ભારતના ક્રૂઝ પર્યટન ક્ષેત્રે અગ્રેસર બનવા તૈયાર છે.