શેત્રુંજય પર્વત પર જાત્રા કરી ભાવિકોને સાવજના દર્શન થતાં ગભરાટ: બીજી વાર સિંહ દેખાતા યાત્રાળુઓનાં શ્વાસ અધ્ધર
જૈનોના પવિત્ર તીર્થ પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર બે મહિનામાં બીજી વખત સાવજ પગદંડી પર આવી ચડતાં જાત્રા કરી રહેલા યાત્રાળુઓમાં ભાગદોડ મચી જવા પામી હતી.સોમવારે સવારે અનેક જૈન ભાવિકો તીર્થની યાત્રા કરી રહ્યા હતા ત્યારે આ સમયે સિંહ ચાલતો ચાલતો પગદંડી પર આવી રહ્યો હતો,જ્યારે અમુક ભાવિકો પગથિયાં ચડી રહ્યા હતા ત્યારે તો અમુક યાત્રાળુઓ જાત્રા કરી નીચે પરત આવી રહ્યા હોય નજર સામે સાવજના દર્શન થતાં ગભરાટ ફેલાઈ ગયો હતો.
2 મહિનામાં બીજી વખત સિંહ જોવા મળતા વનવિભાગ સાથે યાત્રિકોને સતર્ક કરી દીધા છે. સિંહને જોતા જ લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી.આ ઘટનાનો વીડિયો વાયુવેગે વાયરલ થયો હતો.ભયના માહોલ વચ્ચે લોકો જય આદિનાથનાં નારા લગાવતા નજરે પડ્યા હતાં.
આ ઘટના અંગે વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે,આ વીડિયો 22 ડીસેમ્બરનો છે.શેત્રુંજય પર્વત જંગલ વિસ્તારમાં આવતો હોય વન્યપ્રાણીઓ ઘણીવાર આ રસ્તો ઓળંગવા માટે પગદંડી પર આવી જતા હોય છે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, વન વિભાગ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જ્યારે વન વિભાગ એ યાત્રિકોને અપીલ કરી હતી કે જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણી દેખાય ત્યારે શાંતિ જાળવવી તેમની નજીક જઈ વિડીયો ઉતારવાનું જોખમ ન લેવું.
