AI જનરેટેડ ફેક સોશિયલ મીડિયા પોસ્ટ સામે PIL: ગુજરાત હાઈકોર્ટે નોટિસ પાઠવી, ગેરમાર્ગે દોરતી અને ફેક માહિતી પર નિયંત્રણની માગ
ડિજિટલ ખોટી માહિતીના વધતા જતા જોખમને રોકવા માટે એક મહત્વપૂર્ણ પગલામાં, બંધારણીય મહાનુભાવોને નિશાન બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના દુરુપયોગ દ્વારા બનાવવામાં આવતા ‘ડીપફેક્સ’ અંગે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવી છે. એડવોકેટ વિકાસ વિજય નાયર દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં ઉચ્ચ પદ ધરાવતા અધિકારીઓનું અનુકરણ કરવા અને તેમને બદનામ કરવા માટે તૈયાર કરાયેલા સિન્થેટિકલી જનરેટેડ વીડિયો અને ફોટોગ્રાફ્સના મોટા પાયે પ્રસાર અંગે લાલબત્તી ધરવામાં આવી છે. હાઈકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી વધુ સુનાવણી 23મી માર્ચના રોજ નિશ્ચિત કરી છે.
આ કેસમાં એ બાબતની તપાસ કરવામાં આવે તેવી અપેક્ષા છે કે શું વર્તમાન કાયદાકીય માળખું પૂરતું છે અથવા સિન્થેટિક મીડિયાના હથિયાર તરીકે થતા ઉપયોગને રોકવા માટે નવા ન્યાયિક નિર્દેશો જરૂરી છે.
PILમાં દલીલ કરવામાં આવી છે કે ડીપફેક ટેકનોલોજીનો ઉપયોગ વાસ્તવિક અવાજો અને ચહેરાના હાવભાવની ચોંકાવનારી ચોકસાઈ સાથે નકલ કરવા માટે કરવામાં આવી રહ્યો છે, જેના કારણે જનતા માટે અસલી અને છેડછાડ કરેલા કન્ટેન્ટ વચ્ચે તફાવત કરવો લગભગ અશક્ય બની જાય છે. આ મૂંઝવણ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે અને લોકશાહી સંસ્થાઓમાં જનતાના વિશ્વાસને નબળો પાડે છે. રાજ્ય તરફથી હાજર રહેલા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ આ મુદ્દાની ગંભીરતાને ટેકો આપતા નોંધ્યું હતું કે વ્યાપક દુરુપયોગને કારણે અગાઉ જ “ભયાનક અને ન પૂરી શકાય તેવું નુકસાન” થયું છે અને AI સાધનોનું નિયમન કરવા માટે કડક આંતરરાષ્ટ્રીય સ્તરના કાયદાઓની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.
AI જનરેટેડ પોસ્ટ્સના દાખલા રજૂ થયાં
અરજદારે કેસને મજબૂત કરવા માટે જાહેર હિતની અરજીની સાથે જ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, અન્ય મંત્રીઓ, રાષ્ટ્રીય રાજકીય નેતાઓ અને આર્મી જનરલ જેવી બંધારણીય સત્તાઓ સાથે સંબંધિત વિવિધ આર્ટિફિશિયલ જનરેટેડ સોશિયલ મીડિયા પોસ્ટના સંખ્યાબંધ પુરાવા પણ રજૂ કર્યાં છે.
જાહેર હિતની અરજીમાં મુખ્ય માગ
જાહેર હિતની અરજીમાં કોર્ટ પાસે નીચે મુજબની રાહતો માંગવામાં આવી છે:
1. રાજ્ય અને કેન્દ્રીય સત્તાધારીઓને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, 2000 અને આઈટી નિયમો, 2021 (2025 અને 2026માં સુધાર્યા મુજબ) ને અસરકારક રીતે અમલમાં મૂકવા માટેના નિર્દેશો, ખાસ કરીને AI-જનરેટેડ ડીપફેક્સના સંદર્ભમાં.
2. બંધારણીય સત્તાધારીઓને સંડોવતા ડીપફેક કન્ટેન્ટની તાત્કાલિક ઓળખ, ફ્લેગિંગ અને તેને દૂર કરવા માટે સમયમર્યાદા સાથે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs) ની રચના અને અમલીકરણ.
3. સિન્થેટિક મીડિયાનો સામનો કરવા માટે ગુજરાત રાજ્ય પોલીસ અને સાયબર યુનિટ્સને રિયલ-ટાઇમ સપોર્ટ પૂરો પાડવો.
4. વાંધાજનક કન્ટેન્ટને અગ્રતાના ધોરણે દૂર કરવા માટે રાજ્યના સત્તાધારીઓ અને કેન્દ્રના MeitY (ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય) ની મિકેનિઝમ વચ્ચે સંકલન સુનિશ્ચિત કરવું.
5. મેટા (Meta), ગુગલ (Google), X, રેડિટ (Reddit) અને સ્ક્રીબડ (Scribd) જેવા પ્લેટફોર્મ્સ પર કાયદાકીય જવાબદારીઓ લાદવી જેથી બંધારણીય પદાધિકારીઓને નિશાન બનાવતા ડીપફેક્સનું ફરજિયાત કન્ટેન્ટ લેબલિંગ, ટ્રેસેબિલિટી અને તેને ઝડપથી દૂર કરવાનું સુનિશ્ચિત કરી શકાય.
