ચકચારી જુગાર તોડકાંડમાં PI અને કોન્સ્ટેબલ ફરાર જાહેર : હાઈપ્રોફાઈલ જુગારક્લબનું પ્રકરણ ફરી થયું તાજું
રાજકોટ – મોરબી હાઇવે ઉપર હોટેલ કમ્ફર્ટમા હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ ઉપર દરોડો પાડી ટંકારાના તત્કાલીન પીઆઈ ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ સોલંકીએ લાખો રૂપિયાનો તોડ કરવા પ્રકરણમાં બન્ને પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ થયો છે. જો કે, બન્ને પોલીસ કર્મચારીઓ પોલીસના અનેક પ્રયાસ પછી પણ મળી આવતા ન હોય બન્નેને ફરાર જાહેર કરી આગામી ૩૦ દિવસમાં લીંબડીના ડીવાયએસપી સમક્ષ હાજર થવા ફરમાન કરાયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ-મોરબી હાઈવે ઉપર હોટલ કમ્ફર્ટમાં જુગાર અંગેનો દરોડો પાડી નવેમ્બર 2024માં ટંકારા પોલીસે રાજકોટના જવેલર્સ પુત્ર સહિતનાઓને ઝડપી લઈ લાખો રૂપિયાની રોકડ કબ્જે કરી હતી. આ હાઈફાઈ જુગાર ક્લબમાં દરોડા બાદ કેસ રફેદફે કરવા ટંકારાના તત્કાલીન પીઆઈ યુવરાજસિહ કિશોરસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ હરિસિહ સોલંકીએ મોટો તોડ કર્યો હોવાની ચોંકાવનારી હકીકત સામે આવતા એસએમસીએ તપાસમાં ઝુકાવ્યું હતું. બીજીતરફ આ કેસમાં પીઆઈ અને કોન્સ્ટેબલ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સહિતની કલમો મુજબ ગુન્હો દાખલ થયો હતો.
જો કે ચકચારી કેસમાં આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર અને હેડ કોન્સ્ટેબલની ધરપકડ કરવાની હોવાથી અને તપાસ દરમિયાન તેઓના રહેણાંક મકાનો તથા ફરજના સ્થળો, સગા-સંબંધીના ઘરે તપાસ કરતા મળી આવેલા ન હતા. જેથી બન્ને આરોપીઓ વિરુદ્ધ સ્પેશ્યલ અને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા BNSS-કલમ-84 મુજબનું ફરારી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અને 30 દિવસમાં તપાસ કરનાર અધિકારી નાયબ પોલીસ અધિક્ષક, લીંબડી ડિવિઝન, લીંબડી સમક્ષ આરોપીઓને હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે.