અમદાવાદના ટાગોર હોલમાં ગુજરાત સાંસ્કૃતિ યોદ્ધા પુરસ્કાર એનાયત પ્રસંગે કહ્યું જીએસટીથી સરકારને નોંધપાત્ર આવક
આ વખતે જીએસટી પેટે સરકારને રેકોર્ડબ્રેક આવક નોંધાઈ છે. ત્યારે આ મામલે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વેપારીઓએ આ વખતે પોતાના મનથી સ્વીકારીને સરકારને ટેક્સ ભર્યો છે. ખાસ કરીને લોકોને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીનો વિકાસ દેખાયો છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ નિવેદનમાં કહ્યું હતું કે દેશના દરેક સેક્ટરમાં પીએમ મોદીના સત્તાસ્થાને આવ્યા પછી બધા મોટા બદલાવો થયા છે જે લોકોને દેખાઈ રહ્યા છે. જેના લીધે લોકોએ જાતે જ મનથી સ્વીકારીને ટેક્સ ભર્યો છે. એટલે સરકારને જીએસટીની સારી આવક થઈ છે.
આ નિવેદનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું હતું કે લોકોને કોરોના મહામારીએ નવો પદાર્થપાઠ શીખવાડ્યો છે. કોરોના મહામારીના લીધે પૈસાનું અભિમાન રહ્યું નથી. લોકો કહેતા હોય છે કે કર્મનું ફળ મળતું હોય છે. આ ઉપરાંત ભૂપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું હતું કે સિદ્ધાંતોની સાથે ચાલનારની વ્યક્તિની 7 પેઢી પૈસાને જોઈ શકે છે. આમ તેમણે કરદાતાઓના વખાણ કર્યા હતા અને સાથે જ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને વિકાસકાર્યોને બિરદાવ્યા હતા. આ નિવેદન તેમણે અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાયેલ ગુજરાત સાંસ્કૃતિ યોદ્ધા પુરસ્કારમાં આપ્યું હતું.
