પાણીવેરો ભરવાનો, ટેન્કરથી પાણી પણ મંગાવવાનું : રાજકોટના 258 બિલ્ડિંગના લોકોને ત્રાસ
રાજકોટ શહેરના વોર્ડ નં.11માં મવડી, મોટામવા, વાવડી સહિતના વિસ્તારોમાં આવેલા 258 જેટલા હાઈરાઈઝ અને લો-રાઈઝ બિલ્ડિંગમાં રહેતા લોકોએ પાણી માટે ટળવળવું પડતું હોવાના રોષ સાથે લોકો મેયરને રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા. ફ્લેટમાં રહેતાં લોકોએ જણાવ્યું કે અમે પાણીવેરો પણ ભરી રહ્યા છીએ આમ છતાં અમને પૂરતું પાણી ન મળતાં દર મહિને દોઢ લાખ રૂપિયા સુધીનું વેચાતું પાણી લેવા મજબૂર બન્યા છીએ.

મેયર નયનાબેન પેઢડિયાને કરાયેલી રજૂઆતમાં રહેવાસીઓએ જણાવ્યું કે અલગ-અલગ વિસ્તારમાં આવેલા ટેનામેન્ટમાં પાણીનું કનેક્શન પોણા ઈંચનું આપવામાં આવે છે ત્યારે તેના પાણીવેરાની તુલનાએ લો અને હાઈરાઈઝ ફ્લેટમાં દોઢથી ચાર ઈંચ સુધીની લાઈનના જે કનેક્શન ફાળવવામાં આવે છે તેનો પાણીવેરો વધુ છે અને પાણી વેરાની સરખામણીએ 20 મિનિટ પાણી આપવામાં આવે છે તે પૂરા ફોર્સથી આવતું ન હોય વેચાતું પાણી લેવું પડે છે.
આ પણ વાંચો : રાજસ્થાનના રતનગઢમાં વાયુસેનાનું જગુઆર ફાઇટર પ્લેન ક્રેશ : પાઇલટ સહિત 2 લોકોના મોત, ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે
વળી, પાણી પણ ડહોળું આપવામાં આવી રહ્યું છે. રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. રિંગરોડ-2થી આથમણી બાજુ કણકોટ રોડ, ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ તરફ ઘણા હાઈરાઈઝડ બિલ્ડિંગ બની ગયા છે અને ત્યાં વસવાટ પણ થઈ ગયો હોય મુળભુત સુવિધા મળી રહી નથી.
