ઉલ્લુ બનાવીંગ! રાજકોટના કોઠારિયામાં બિનખેતી બીજે… કબજા બીજે, બિનખેતી પ્લોટના મકાન સરકારી ખરાબમાં બનાવી લેવામાં આવતા તપાસ
જમીન કૌભાડ નગરી રાજકોટ શહેરમાં નકલી મામલતદારના હુકમ, અભિલેખાગાર કચેરીના નકલી દસ્તાવેજ, સબ રજિસ્ટ્રાર કચેરીમાં નકલી દસ્તાવેજ બાદ કોઠારીયા વિસ્તારમાં નવતર પ્રકારનું કૌભાંડ સામે આવ્યું છે જેમાં જમીન માલિક દ્વારા કાયદેસર રીતે બિનખેતી કરાવવામાં આવી છે. પરંતુ બિનખેતી થયેલી જગ્યા ઉપર અગાઉ પાણાખાણ હોવાથી સ્થાનિકે ઊંડી ખાઈ હોવાથી ભેજાબાજોએ આ બિનખેતી થયેલી જગ્યા અન્યત્ર સરકારી ખરાબામાં દર્શાવી લોકોને શીશામાં ઉતારવા ઘાટ ઘડયો છે. મજાની વાત તો એ છે કે, આ જમીન કાયદેસરની હોવાથી પ્રોપર્ટીકાર્ડ બની ગયું હોવાથી હાલમાં લોકોને અન્યત્ર મકાનના બાંધકામ કરી ખોટી જગ્યાના પ્રોપર્ટીકાર્ડ આપવા પણ પેતરાબાજી ચાલી રહી છે. જો કે, આ ગંભીર બાબત તાલુકા મામલતદારના ધ્યાને આવતા તપાસ શરૂ થઇ હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં ભૂતકાળમાં કાયદેસર અને બિનકાયદેસર પાણાની ખાણો ચાલતી હોવાથી હાલમાં બંધ પડેલી પાણાખાણની ઊંડી ખાઈ વાળી જગ્યા નિયમ મુજબ બિનખેતી કરાવી બાદમાં પાણાખાણની ખાઈ વાળી જગ્યા અન્યત્ર દર્શાવી લોકોને શીશામાં ઉતારવા માટેના ખેલ શરૂ થયા છે. આવા જ એક ચોંકાવનારા કિસ્સામાં રેવન્યુ સર્વે નંબર 41ની ખાનગી જમીન કે જેમાં હાલમાં ઊંડી પાણાની ખાણ હોવા છતાં બિનખેતી કરવામાં આવી છે અને આ જગ્યા રામવન તરફ હોવા છતાં કોઠારીયા ગામના સ્મશાન નજીક રેવન્યુ સર્વે નંબર 352ની સરકારી ખરાબાની જગ્યામાં દર્શાવી અહીં બાંધકામ પણ કરવાની શરૂઆત કરવામાં આવી છે.
બીજી તરફ સરકારી ખરાબો હડપ કરવા ભેજાભાજ ટોળકી દ્વારા લોકોને રેવન્યુ સર્વે નંબર 41ની જમીન કોઠારીયા સ્મશાન પાસે આવેલ એક ગૌશાળા નજીક દર્શાવી અહીં પ્લોટિંગમાં રોડ રસ્તા સહિતની સુવિધા પણ વિકસાવી લેવામાં આવી છે. અંદાજે 10 હજાર ચોરસમીટરથી વધુ સરકારી જમીન ઉપર હાલમાં કબ્જા કરી અહીં પાંચેક મકાન બનાવી નાખવામાં આવ્યા છે અને આ મકાનની સીટી સર્વેમાં નોંધણી માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
જો કે, હાલમાં સીટી સર્વે કચેરી દ્વારા મામલતદારનો અભિપ્રાય માંગવામાં આવતા મામલતદારની તપાસમાં સ્થળ ફેર સામે આવતા મામલતદાર દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે.આ સંજોગોમાં જો કલેકટર તંત્ર દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો ટૂંક સમયમાં જ અહીં મોટી સોસાયટી નિર્માણ થઇ જાય તેમ હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
