રાજકોટમાં અત્યારથી જ કાળઝાળ ગરમી પડવાનું શરૂ થઈ ચૂક્યું છે ત્યારે ઉનાળામાં તંત્ર તેમજ લોકો માટે સૌથી મોટી ચિંતા પાણીની જ રહે છે. આ સ્થિતિ વચ્ચે સરકાર દ્વારા એપ્રિલ મહિનો કે જ્યારે ગરમી ભૂક્કા બોલાવતી હોય બરાબર ત્યારે જ નર્મદા કેનાલને રિપેરિંગ કરવાનું મુહૂર્ત કાઢવામાં આવતાં તેની સીધી અસર રાજકોટને મળતાં નર્મદા નીર ઉપર પડનાર હોવાનું ધ્યાન પર આવતાં જ ધારાસભ્યો, મહાપાલિકાના પદાધિકારીઓ સ્થિતિની ગંભીરતા તેમજ પાણી વિતરણના પ્લાનિંગને લઈને ગાંધીનગર પહોંચ્યા હ
ધારાસભ્ય ઉદય કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશ ટીલાળા ઉપરાંત મેયર નયનાબેન પેઢડિયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, દંડક મનિષ રાડિયા સહિતનાએ મંત્રીઓ રાધવજીભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળિયા સાથે પાણીની સ્થિતિ અંગે અડધો કલાક સુધી ગાંધીનગર ખાતે બેઠક કરી હતી. પદાધિકારીઓએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે નર્મદા કેનાલ બંધ રાખવાથી રાજકોટમાં પાણીની કટોકટી સર્જાઈ શકે તેમ છે કેમ કે શહેરની પાણી વિતરણની વ્યવસ્થાનો મુખ્ય ભાગ જ આ કેનાલ છે અને તેના મારફતે જ પાણી ઠાલવવામાં આવે છે. હવે જો આ સ્થિતિમાં કેનાલ બંધ થઈ જશે તો પછી પાણી કેનાલની જગ્યાએ નજીકમાં આવતાં ડેમ જેમાં ધોળીધજા, દુધરેજ, કણકોટ સહિતના મારફતે પાણી ઠાલવવામાં આવે તે જરૂરી બની જાય છે નહીંતર ગંભીર જળસંકટ સર્જાવાની શક્યતા નકારી શકાતી નથી.
નર્મદા કેનાલથી રાજકોટને બેડી, ન્યારા અને કોઠારિયા એમ ત્રણેય લાઈન મારફતે ૧૩૫ એમએલડી પાણી મળી રહ્યું હતું પરંતુ કેનાલ બંધ થઈ જવાને કારણે આ લાઈનથી પાણી મળશે નહીં. આ સ્થિતિમાં નજીકના ડેમની લાઈનને રાજકોટ સાથે જોડી દઈ દરરોજ ૧૦૦ એમએલડી નર્મદા નીર પણ ઠાલવવામાં આવશે તો દૈનિક વિતરણ ખોરવાશે નહીં તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. બીજી બાજુ આજી-ન્યારી સહિતના ડેમ પણ અત્યારે નર્મદા નીરથી ભરવામાં આવી રહ્યા છે પરંતુ ઉપરોક્ત ૧૩૫ એમએલડી પાણી અત્યંત જરૂરી હોવાને કારણે તે નિયમિત મળે તે જરૂરી બની જાય છે.
પદાધિકારીઓની આ રજૂઆત સાંભળ્યા બાદ મંત્રીઓ દ્વારા હકારાત્મક જવાબ આપવામાં આવ્યો હતો અને ટૂંક સમયમાં સ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય લેવામાં આવશે તેવું પણ જણાવાયું હતું.