રાજકોટ સહિત રાજ્યભરના જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મચારીઓ હાલમાં ખાતકિય પરીક્ષા રદ કરવા અને ટેકનિકલ કૌશલ્ય આધારિત પગાર ધોરણ આપવાની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી લડત આપી રહ્યા છે ત્યારે સરકારે કડક વલણ અપનાવી હડતાળ ઉપર ગયેલા કર્મચારીઓને કામે ચડી જવા આદેશ આપવા છતાં કર્મચારીઓ હાજર ન થતા રાજકોટ જિલ્લામાં સીસીસી પરીક્ષા પાસ ન કરી હોય તેવા ર અને એક ફિક્સ પગારદાર કર્મચારીને છુટા કરવા આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે.સાથે જ રાજકોટ જિલ્લામાં હડતાળ ઉપર ગયેલા 300 થી વધુ કર્મચારીઓને ચાર્જશીટ ફટકરાવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
રાજકોટ સહિત રાજ્યભરમાં જિલ્લા પંચાયતના જુદી-જુદી કેડરના આરોગ્ય કર્મચારીઓ છેલ્લા ૧૦ દિવસથી અચોક્કસ મુદતની હડતાળ ઉપર ઉતરી ગાંધીનગર ખાતે આરોગ્ય કર્મચારી મહાસંધની આગેવાની હેઠળ લડતા આપી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારના આદેશ હેઠળ આરોગ્ય વિભાગે હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓ સામે પગલાં લેવાનું શરૂ કર્યું છે.
જે અંતર્ગત રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર.આર.ફુલમાલી દ્વારા કુલ ત્રણ કર્મચારીઓને છુટા કરવા આદેશ કર્યો હોવાનું સામે આવ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારી ફુલમાલીએ જણાવ્યું હતું કે, સરકારના આદેશ મુજબ સીસીસી પરીક્ષા પાસ ન કરી હોય તેવા રે કર્મચારીઓ અને એક ફિક્સ પગારદાર મહિલા કર્મચારીઓને છુટા કર્યા હોવાનું તેમને જણાવ્યું હતું. સાથે જ હડતાળ ઉપર ગયેલા ૩૦૦થી વધુ કર્મચારીઓને ચાર્જશીટ પણ આપવામાં આવી હોવાનું તેમને જણાવ્યું હતું.
હવે આર યા પારની લડાઈઃ મહાસંઘ પ્રમુખ
આરોગ્ય કર્મચારીઓની હડતાળના ૧૦ માં દિવસે રાજકોટ આરોગ્ય કર્મચારી મહાસંઘ પ્રમુખ અશોક જોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાના આશરે ૨૫ હજાર કર્મચારીઓ મક્કમતાથી ગાંધીનગર લડી રહ્યા છે. આકરા તાપમાં કર્મચારી પોતાના પરિવારના નાના નાના બાળકો સાથે આખો દિવસ હડતાળ માં બેસી રહે છે. પોતાના ઘર પરિવારથી દુર કર્મચારી પોતાના હક્કની લડાઈ રહ્યા છે ત્યારે સરકારે આ એજ કોરોના વોરિયર્સ છે જેમને પોતાના જીવ ના જોખમે સરકારના દરેક આદેશને માથે ચડાવી પોતની ફરજ નિભાવી હતી. હવે જ્યારે આ કર્મચારી પોતાના હક્કની લડાઈ લડવા સરકાર સામે છે ત્યારે સરકાર દ્વારા આ કર્મચારી ઓ ઉપર જો હુકમી કરી આકરા પગલાં લઈ આ કોરોના વોરિયર્સને સન્માનિત કરી રહી હોવાનું જણાવી ઉમેર્યું હતું કે, આ છે મારું ગુજરાત આ એજ કર્મચારી છે જેને ગુજરાતને આરોગ્યની સુખાકારીમાં સતત નંબર એક પર રાખેલ છે. છતાં આજે સરકાર લાજવાના બદેલ ગાજી રહી છે. હવે તો બસ કર્મચારીઓ લડી લેવાના આકરા મૂડમાં છે અને ઠરાવ નહિ તો સમાધાન નહિ એક જ માંગ રાખી રહ્યા હોવાનું જણાવ્યું હતું.