31 માર્ચ સુધીમાં ઉત્તરવહી મુલ્યાંકનની કામગીરી પુરી કરવા આદેશ: ગેરહાજર 15% શિક્ષકોનો બોર્ડમાં રિપોર્ટ
ધો.12 સાયન્સ પછી ધો.10ના ગણિતના પેપરો ચકાસવાનું કામ પૂરું: મૂલ્યાંકનના કામથી અળગા રહેલા શિક્ષકોને નોટિસ
ધોરણ 10 અને ધોરણ 12 ની પરીક્ષાઓની ઉત્તરવહીની ચકાસણીની કામગીરીએ વેગ પકડ્યો છે. ધોરણ 12 સાયન્સ ના પેપરોની ચકાસણી પૂરી થઈ ગયા બાદ ધોરણ 10 ના ગણિતના પેપરોનું મૂલ્યાંકન પણ પૂરું થઈ ગયું છે.
રાજકોટ જિલ્લામાંથી ઉત્તરવહી મૂલ્યાંકન માટે ૪૭૦૦ જેટલા શિક્ષકોને ઓર્ડરો મળ્યા હતા જેમાંથી 15 ટકા કેટલા શિક્ષકો ઉત્તરવહી મૂલ્યાંકન કામગીરીથી અળગા રહેતા તેનો રિપોર્ટ બોર્ડને આપવામાં આવ્યો છે. ઉત્તરવહી ચકાસણીની કામગીરી માં જે શિક્ષકો ગેરહાજર રહ્યા હતા તેમને નોટિસ ફટકારી હતી.
આ દરમિયાન મૂલ્યાંકન કામગીરીમાં બોર્ડ દ્વારા ચૂકવતા મહેનતાણાને લઈને પણ વિવાદ ઊભો થયો હતો જેમાં રાજકોટ ,ગોંડલ સહિત અનેક મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાંથી શિક્ષકોએ પેપરો ચકાસવાની કામગીરીનો બહિષ્કાર કર્યો હતો.જો કે ડી.ઇ.ઓ.ની સમજાવટ બાદ ફરીથી પેપરોની ચકાસણી શરૂ થઈ છે. ધોરણ 10 અને ધોરણ 12ની ઉત્તરવહી તેમજ પરીક્ષાને સંબંધિત તમામ કામગીરી 31 માર્ચ પહેલા પુરી કરી લેવા બોર્ડએ સૂચના આપી છે.