રાજકોટમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ!! ગરમી ભુકકા બોલાવશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
છેલ્લા બે દિવસથી હવામાન વિભાગ કચ્છ, પોરબંદર, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હીટવેવની ચેતવણી આપી રહ્યું છે ત્યારે આ ચેતવણીથી વિરુદ્ધ રાજકોટમાં ભુક્કા કાઢે તેવી ગરમી પડી હતી. મંગળવારે રાજકોટમાં એપ્રિલ મહિનાના સૌથી ગરમ દિવસ રૂપે 42.2 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. જો કે, બુધવારે પણ તાપમાનનો પારો 42.1 ડિગ્રીને અડકી જતા લોકોને આકરાતાપનો અહેસાસ થયો હતો.બીજી તરફ હવામાન વિભાગે આગામી રવિવારથી રાજકોટમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
સમગ્ર રાજ્યમાં સૂર્યદેવતા કોપાયમાન થયા હોય તેવી સ્થિતિ વચ્ચે આગ ઓકતી ગરમી વરસાવી રહ્યા છે ત્યારે આગામી તા.8 એપ્રિલ સુધી રાજકોટ ઉપરાંત કચ્છ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં હીટવેવનું યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જે અન્વયે આજથી બે દિવસ રાજકોટ, કચ્છ અને જૂનાગઢમાં યલો એલર્ટ અને પોરબંદરમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ રવિવારથી રાજકોટ, કચ્છ અને પોરબંદર જિલ્લામાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ તેમજ મોરબી, જૂનાગઢ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
દરમિયાન બુધવારે રાજ્યમાં રાજકોટ શહેરમાં સૌથી વધુ 42.1 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં 41.4, ડીસામાં 41.3, નલિયામાં 41.0, ગાંધીનગરમાં 40.8, પોરબંદર અને વડોદરામા 40.6, અમદાવાદમાં 40.5, ભાવનગરમાં 39.7, સુરતમાં 39.6, વેરાવળમાં 39.6 અને કંડલામાં 39.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, હિટવેવની આગાહી વચ્ચે પોરબંદરમાં એક જ દિવસમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 6.5 ડિગ્રી વધ્યું હતું. સાથે જ નલિયામાં 6 ડિગ્રી અને વેરાવળમાં એક જ દિવસમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા 6.7 ડિગ્રી વધી ગયું હતું.