મોટી ટાંકી નજીક ખુલ્લેઆમ દારૂનું કટીંગ, બધા જાણે છે, માત્ર રાજકોટ પોલીસને ખબર નથી! જાણો શું છે સમગ્ર મામલો
મોટી ટાંકી એટલે રાજકોટ શહેરનું મધ્ય િંબદુ. આ વિસ્તારમાં પ્રતિષ્ઠિત તબીબોની હોસ્પિટલો આવેલી છે, શાળાઓ છે, અખબારની ઓફિસો છે, ભરચક્ક રહેણાંક અને કોમર્શિયલ ઇમારતો છે. દરરોજ ત્યાંથી લાખો માણસો આવન જાવન કરે છે. ટ્રાફિકનો ધમધમાટ રહે છે. આવા વિસ્તારમાં પણ દારૂનું કટીંગ થાય અને ડ્રગનું સેવન થાય એવી અગાઉ ક્દી કોઈએ કલ્પના પણ નહોતી કરી. આ વિસ્તાર તો રાજકોટનો સૌથી સલામત વિસ્તાર ગણાતો હતો. પરંતુ હવે ત્યાં જ આ બધી ગેરકાયદે પ્રવૃત્તિઓ જાહેરમાં થાય છે, રોજ રોજ થાય છે, નિરાંતે થાય છે, ખુલ્લે આમ થાય છે, ધોળે દિવસે થાય છે, વિના રોકટોક થાય છે.બૂટલેગરોને, અસામાજિક તત્વોને પોલીસનો ભય નથી.
પોલીસની કોઈ ધાક નથી, પોલીસ આવીને પકડી જશે એવી કોઈ િંચતા નથી.અસામાજિક તત્વો સંપૂર્ણ સલામતી અનુભવે છે અને કાયદાની ધજિયા ઉડાવતા રહે છે. દરરોજ સેકડો લોકો આ પ્રવૃત્તિઓ નજરે નિહાળે છે. માત્ર પોલીસની આંખે પાટા બાંધેલા છે. મોટી ટાંકી ચોકથી ફક્ત 200 મીટરના અંતરે આવેલી કોટક સ્કૂલ વાળી શેરી અસામાજિક પ્રવૃતિઓનો અડ્ડો બની ગઈ છે. એ સ્થળ બુટલેગરો માટે નિિંશ્ચત બનીને નિરાંતે દારૂની હેરાફેરી કરવાનું સ્થળ બની ગયું હોય તેમ દારૂની બોટલોથી ખચાખચ ભરેલી ગાડી આવે છે.એ ગાડીના આગમન પહેલા ત્રણ ચાર રિક્ષાઓ અને એટલી જ સંખ્યાના સ્કૂટરોનું આગમન થઈ ચૂક્યું હોય છે.ગાડીમાંથી શરાબની બોટલો ભરેલી પેટીઓ રીક્ષા અને સ્કૂટરની ડેકીઓમાં ઠાલવવામાં આવે છે. પાંચ સાત મિનિટમાં આખો ખેલ ખતમ થઈ જાય છે અને પછી વાહનો પોતપોતાના રસ્તે ચાલતા થઈ જાય છે.
આઘાતજનક વાત એ છે કે આ કોઈ એકલદોકલ ઘટના નથી હોતી. કે, એવું પણ નથી કે આ પ્રવૃત્તિ આજકાલમાં જ શરૂ થઈ હોય. છેલ્લા એક કરતાં વધારે વર્ષથી એ શેરીમાં દારૂના કટીંગનો કારોબાર ચાલે છે. આ બધું ત્યાંથી પસાર થતા સેંકડો લોકો નિહાળે છે, ત્યાં વસતા રહેવાસીઓ જોવે છે, કોટક સ્કૂલના બાળકો અને શિક્ષકો પણ આ દ્રશ્યોના સાક્ષી છે.અને છતાં આટલા બધા વખતથી ચાલતી આ પ્રવૃત્તિ અંગે પોલીસને કોઈ જાણકારી હોય જ નહીં એવું ચિત્ર ઉપસ્યું છે. કારણકે જો પોલીસ જાણતી હોય તો ખુલ્લેઆમ આવી પ્રવૃત્તિ થઈ કેવી રીતે શકે? એવો સવાલ સ્વાભાવિક રીતે જ ઊભો થાય છે. અને જો પોલીસની જાણકારી છતાં આ બધું ચાલતું હોય તો એ મીઠી નજરના આશીર્વાદ હોઈ શકે એવી શંકાને જન્મ આપે છે.
વાત ફક્ત દારૂના કટીંગ પૂરતી સીમિત નથી. સાંજ પડ્યે ટ્રાફિક ઓછો થયા બાદ 15-17 વર્ષના લવરમૂછિયા તરુણો ગાંજા ચરસ વાળી સિગારેટો ફૂંકતા હોય એ દૃશ્યો પણ સામાન્ય બની ગયા છે. રાજકોટનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે. કમનસીબે આવી ખતરનાક પ્રવૃત્તિઓ શહેર મધ્યે ચાલે છે અને પરિણામે લોકો પોલીસતંત્રમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા છે. બૂટલેગરો અને અસમાજિક તત્વો સલામત હોય અને આમ નાગરિકો ભયભીત હોય એ સ્થિતિ આવકાર્ય નથી, પણ હકીકત એ છે કે આ વિસ્તારના લોકો એવી જ સ્થિતિ વચ્ચે ફફડી રહ્યા છે.
પીસીબી, એલસીબીને ખુણેખાચરે, મકાનો, કારખાનાઓ, ઓફિસો, ગોડાઉનોમાં બંધબારણે દારૂનો જથ્થો મળી જતો હોય તો અહીં શું કોઇની નજર નહીં હોય? તેવા સવાલ ઉભા થયા વિના ન રહે.
112ના અમલ પછી પેટ્રોલિંગ સદંતર બંધ
મોટી ટાંકી વિસ્તાર અને ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયેલી કોટક સ્કૂલ વાળીઆ શેરીમાં અગાઉ તો ક્યારેક ક્યારેક પોલીસ પેટ્રોલિંગ પણ થતું હતું. તેને કારણે કંઈક અંશે અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ હતો. જો કે, પોલીસ વર્તુળોના જણાવ્યા અનુસાર, “112”નો અમલ શરૂ થયા બાદ હવે પેટ્રોલિંગ સદંતર બંધ થઈ ગયું છે. આને કારણે હવે બુટલેગરો, ચોરી કરતી ગેંગો, જાહેરમાં બખેડા કરતાં લુખ્ખાઓ અને અસામાજિક તેમ જ આવારા તત્વોને મોકળું મેદાન મળી ગયું છે.