સરકારી દવાના છ બોક્સ જ પલળ્યા! રાજકોટમાં GMSCL ગોડાઉનની તપાસ પૂર્ણ : કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં લેવાય તેવી શક્યતા
રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર આવેલ GMSCL એટલે કે, ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના ગોડાઉનમાં દવા પલળી જવા પ્રકરણમાં ગાંધીનગરથી દોડી આવેલ ટીમે તપાસ પૂર્ણ કરી એમડીને રિપોર્ટ સુપરત કરી દીધો હોવાનું જાણવા મળે છે. જો કે, તપાસ દરમિયાન આખો ટ્રક ભરેલી દવાઓ નહીં પરંતુ માત્ર છ જેટલા દવાના બોક્સ જ પલળી ગયા હોવાનું સામે આવ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે, સમગ્ર મામલે ગેરહાજર અધિકારી અને જવાબદાર કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં તોળાઈ રહયાના સંકેત પણ મળી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લાની સરકારી હોસ્પિટલ અને દવાખાનાઓમાં જ્યાંથી દવા સપ્લાય થાય છે તેવા રાજકોટના મોરબી રોડ સ્થિત ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના ગોડાઉનમાં ટ્રકમાં આવેલ દવાનો જથ્થો પલળી જવા મામલે સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ બાદ આરોગ્યમંત્રીની સૂચનાથી ગાંધીનગર GMSCLના બે અધિકારીઓની ટીમ રાજકોટ ગોડાઉન ખાતે તપાસ માટે દોડી આવી હતી. દરમિયાન ગુરુવારે તપાસ પૂર્ણ કરી GMSCLની ટીમે એમડી દિગંત બ્રહ્મભટ્ટને અહેવાલ સુપરત કરી દીધો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો :રાજકોટમાં હવે નકલી સાધુની ગેંગ ઉતરી પડી : બે વૃદ્ધ સાથે ગોળ-ગોળ વાતો કરી ચેઈન, વીંટી લઈને 3 શખ્સો કારમાં ફરાર
દવા પલળી જવા પ્રકરણમાં હોબાળા બાદ આરોગ્યમંત્રની સૂચનાથી ગુજરાત મેડિકલ સર્વિસ કોર્પોરેશનના એડમીન એચઆર મેનેજર પી.વી.ગોંડલીયા અને ડેપ્યુટી જનરલ મેનેજર હિતેશ પ્રજાપતિ દ્વારા રાજકોટ ખાતે તપાસ કરવામાં આવી હતી જેમાં સૂત્રોના જણાવ્યા મુજબ આખો ટ્રક ભરીને દવા પલળી ન હોવાનું અને માત્ર છ બોક્સ જ પલળી ગયા હોવાનું સામે આવ્યું હોવાનું પણ જાણવા મળે છે. જો કે, તપાસનીશ ટીમે મીડિયા સમક્ષ વિગતો જાહેર કરી નથી અને કોન્ફીડેન્સીયલ રિપોર્ટ એમડી દિગંત બ્રહ્મભટ્ટને સુપરત કર્યો છે. આ મામલે ગેરહાજર કર્મચારી અધિકારી અને કોન્ટ્રાકટર વિરુદ્ધ પગલાં તપલાઈ રહ્યા હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.
