સ્માર્ટ મીટર લગાવો તો જ વીજલાઇન ઉપરથી ઝાડની ડાળી હટશે ! રાજકોટની કૈલાસ સોસાયટીના રહેવાસીઓને કડવો અનુભવ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્માર્ટ વીજ મીટર લગાવવા માટે હવે PGVCLદાદાગીરી ઉપર ઉતરી આવી લોકોની સુરક્ષા સાથે ખિલવાડ કરી રહ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં રાજકોટના સાધુ વાસવાણી રોડ ઉપર આવેલ કૈલાશ સોસાયટીના રહેવાસીઓએ લોકોએ વીજલાઈન પર રહેલી ડાળીઓ દૂર કરવા અરજી કરતા પીજીવીસીએલના અધિકારીએ લેખિતમાં એવી સૂચના આપી હતી કે, સોસાયટીના લોકો પહેલાં સ્માર્ટ મીટર લગાવે તો જ ડાળીઓ કાપવી. PGVCLના આવા રવૈયા સામે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના કૈલાશ પાર્ક વિસ્તારમાં આવેલા “સંકલ્પ સિદ્ધ” એપાર્ટમેન્ટના રહીશોએ વીજલાઈન પર લટકતી વૃક્ષની ડાળીઓ દૂર કરવાની લેખિત અરજી PGVCLમાં કરી હતી. અરજદારોએ ચોમાસા પૂર્વે સંભવિત અકસ્માતને ટાળવા તાત્કાલિક કાર્યવાહી માગી હતી.પરંતુ PGVCLના સ્થાનિક અધિકારીએ આ અરજી સાથે મોકલેલ કર્મીઓને સ્પષ્ટ શબ્દોમાં લખ્યું હતું કે, પહેલા સ્માર્ટ મીટર લગાવો, ત્યારબાદ ફરિયાદ એટેન્ડ કરવી ! આ ઉલટા શરત જેવી લાગતી ફરમાવટ પર રહીશોએ વાંધો ઉઠાવ્યો તો કર્મચારીઓ વિવાદ ટાળતા ઘટના સ્થળેથી જ ભાગી ગયા હતા.

બીજી તરફ ફ્લેટના રહીશોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કરી લીધો હતો અને PGVCLની દાદાગીરી સોશિયલ મીડિયા ઉપર પ્રદર્શિત કરી હતી. સાથે જ હાલમાં ચોમાસાની સીઝનમા અકસ્માતે કોઈ શોર્ટ સર્કિટ થાય અને બાળકો નીચે પાર્કિંગમાં રમતા હોય ત્યારે જવાબદારી કોની તેવા સવાલો પણ કર્યા હતા. આ મામલે ફ્લેટ ધારકોએ જણાવ્યું હતું કે, લોકોની જાનમાલ કરતા PGVCLને સ્માર્ટ મીટર લગાડવાની પડી છે તે દુઃખદ છે. અમે પુરુ વીજબિલ ભરીયે છે જેથી વીજલાઈન મુદે તમામ પ્રશ્નોની નિરાકરણની જવાબદારી તંત્રની હોય છે તેમ છતાં આવી મજબૂરીનો લાભ ઉઠાવે તે શરમજનક છે.અમારા ફ્લેટમાં ૨૫ પરિવારો રહે છે એટલે બધામેં સ્માર્ટ મીટર લગાવું કે નહીં તે બધાની સમંતિ લેવી પડે ત્યારે પહેલા જે ગંભીર પ્રશ્ન છે તે સોલ્વ કરાઈ કે સ્માર્ટ મીટર લગાડવાની ચિંતા કરાઈ ? તેવો સવાલ પણ અંતમાં ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો : રાજકોટમાં હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં 185 લોકોને મળ્યું ભારતીય નાગરિકત્વ : લાભાર્થી કહ્યું, ગર્વ સાથે કહી શકીશ કે…
