72માંથી માત્ર 22 બેઠક સવર્ણ વર્ગની રહી, દાવેદારોમાં ગણગણાટ કે આમાં પણ ભાગ પડશે તો? જાણો રાજકોટના કયા વોર્ડમાં કસોકસનો જંગ જામી શકે ?
આવનારી મહાપાલિકાની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા અનામત બેઠકનું રોટેશન જાહેર કર્યા બાદ રાજકીય પંડિતો તેના આધારે ગણતરીઓ માંડવા લાગ્યા હતા. રાજકોટની વાત કરવામાં આવે તો આ વખતે 72માંથી માત્ર 22 બેઠક જ સવર્ણ વર્ગની રહી હોય આ વખતે ચૂંટણી લડવા માટે થનગનતા દાવેદારો તેમજ તેમના ટેકેદારો દ્વારા રોટેશન જાહેર થતાંની સાથે જ મૌખિક તેમજ સોશ્યલ મીડિયા ગ્રુપ્સમાં મેસેજ વાયરલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું કે એક તો સવર્ણ વર્ગ બેઠકની સંખ્યા 22 રહી છે અને તેમાં પણ ભાગ પડશે તો ?
ગત રાતથી જ રાજકીય પક્ષોના સોશ્યલ મીડિયા ગ્રુપ્સમાં મેસેજ વાયરલ થઈ રહ્યા હતા કે ગત ટર્મમાં સામાન્ય સવર્ણ બેઠકો ઉપર ઓબીસી કે અન્ય ચહેરાઓને લડવાની તક મળી હતી પરંતુ ત્યારે સવર્ણ એટલે કે સામાન્ય બેઠકની સંખ્યા 31 હતી જેમાં આ વખતે નવનો ઘટાડો આવ્યો હોવાથી સામાન્ય બેઠક ઉપર સવર્ણ ઉમેદવારને જ ટિકિટ મળે તે જરૂરી બની જશે અન્યથા અહીં પણ ઓબીસી ઉમેદવારને ઉતારવામાં આવશે તો સવર્ણ સમાજના ઉમેદવાર કે જેઓ પાંચ વર્ષ સુધી મહેનત કરી રહ્યા છે તેમની ટિકિટ કપાઈ જવાથી તેઓ અને તેમના ટેકેદારો હળાહળ નારાજ થવાને કારણે તેની અસર સીધી ચૂંટણી ઉપર પડી શકે છે. એકંદરે આ પ્રકારે અલગ-અલગ વોર્ડમાં આંતરિક ચર્ચાઓનો દોર અને છૂપો ડર પણ પેઠી ગયો હોવાનો ગણગણાટ સાંભળવા મળ્યો હતો.
એકંદરે ગત ટર્મની તુલનાએ આ ટર્મમાં પછાત વર્ગની બેઠક સાતમાંથી વધી 19એ થઈ ગઈ છે એટલા માટે આટલી બેઠક પર હાઈકમાન્ડ દ્વારા પછાત વર્ગને ઉતારીને સંતોષ માની લેવો જોઈએ તેવું એક રાજકીય વર્ગ માની રહ્યો છે. હવે તો પછાત વર્ગના ઉમેદવારની સંખ્યા 19માંથી વધી જશે તો સ્વાભાવિક પણે જ સવર્ણ ઉમેદવારની ટિકિટ કપાશે જેના કારણે વિરોધ થવાની સંભાવના હોવાથી ત્રણેય પક્ષના હાઈ કમાન્ડે આ દિશામાં ગંભીરતાથી ધ્યાન આપવું પડશે.
આ પણ વાંચો :ટૂંક સમયમાં રસ્તા પર દોડશે ‘ટાટા બાઈક’ : તગડી માઈલેજ આપતી કિફાયતી બાઈક 2026માં થશે લોન્ચ
નવા રોટેશન બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એમ ત્રણેય પક્ષે રોટેશન પ્રમાણે જ્ઞાતિનું `ગણિત’ બેસાડી તેમાં જીતે તેવો ઉમેદવારોને જ ઉતારવા તેમજ તેમના ઉપર ખેલેલો દાવ સફળ કઈ રીતે થશે તેની ગણતરી માંડવી અઘરી બની ગયાનો તાલ જોવા મળી રહ્યો છે.
અત્યંત મહત્ત્વની બાબત એ છે કે નવું રોટેશન જાહેર થયા બાદ અનેક નેતાઓ `રણ’છોડ મતલબ કે ચૂંટણી લડવા માટે માંડી વાળ્યાનું પણ સાંભળવા મળ્યું હતું. હજુ તો ચૂંટણીને બે કે ત્રણ મહિના જેટલો સમય બાકી છે ત્યાં સુધીમાં દરરોજ નવા સમીકરણો પણ રચાઈ શકે છે. એકંદરે ટિકિટ ફાળવણી વખતે અનેક ભડકા જોવા મળે તો પણ નવાઈ પામવા જેવું રહેશે નહીં.
અઢી વર્ષ માટે સામાન્ય વર્ગમાંથી પુરુષ મેયર બનશેઃ ત્યારપછી વોર્ડ નં.2 અથવા 6માંથી જ મહિલા મેયર આવશે
ચૂંટણી પંચ દ્વારા મહિનાઓ અગાઉ રાજકોટ સહિત દરેક મહાપાલિકા માટે મેયરપદનું રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ રોટેશન પ્રમાણે અઢી વર્ષ માટે રાજકોટ મહાપાલિકામાં સામાન્ય વર્ગમાંથી પુરુષ મેયર બનશે. જ્યારે ત્યારબાદ અઢી વર્ષ માટે અનુસુચિત જાતિમાંથી આવતા મહિલા મેયરપદે બિરાજમાન થશે. આ પ્રમાણે નવું રોટેશન જોવામાં આવે તો રાજકોટમાં વોર્ડ નં.2 અથવા વોર્ડ નં.6માંથી મહિલા મેયર આવશે. નવા રોટેશન પ્રમાણે રાજકોટ મહાપાલિકામાં અનુસુચિત જાતિના મહિલાઓ માટે વોર્ડ નં.2 અને વોર્ડ નં.6નો સમાવેશ કરવામાં આવ્યો હોય આ બેમાંથી એક વોર્ડના જ મહિલા નગરસેવિકા મેયરપદ સંભાળશે તે પણ નિશ્ચિત છે.
કયા વોર્ડમાં કસોકસનો જંગ જામી શકે ?
ચૂંટણીને હજુ બેથી ત્રણ મહિનાનો સમય બાકી છે આમ છતાં રાજકીય નિષ્ણાતો અત્યારથી જ કયા વોર્ડમાં કસોકસનો જંગ જામી શકે તેની આગાહી કરવા લાગ્યા છે. આ પ્રમાણે જોવા જઈએ તો પાંચથી વધુ વોર્ડમાં ભાજપ-આમ આદમી પાર્ટી વચ્ચે જંગ જામી શકે છે. વોર્ડ નં.4 કે જે મેયરનો વોર્ડ છે ત્યાં આ વખતે ટફ ફાઈટ જોવા મળી શકે છે. અહીં આમ આદમી પાર્ટી પગપેસારો કરી ગઈ હોવા ઉપરાંત ભાજપમાં અંદરોઅંદરના વિવાદ કારણભૂત હોવાથી અહીં ગાબડું પડી શકે છે અથવા તો પાતળી સરસાઈથી ઉમેદવાર જીતી શકે છે. આ જ રીતે વોર્ડ નં.16માં પણ આમ આદમી પાર્ટીનું વધી રહેલું પ્રભુત્વ તેમજ ભાજપના આંતરિક વિવાદ જંગને વધુ રોચક બનાવી દે તેવી શક્યતા નકારી શકાતી નથી. જ્યારે વોર્ડ નં.15 કે જે કોંગ્રેસ નો અતૂટ ગઢ રહ્યો છે ત્યાં વન-વે જેવું હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. હાલ ભાજપ પાસે 66 બેઠક છે જ્યારે બે કોર્પોરેટર ભાજપની જ ટિકિટ પરથી ચૂંટાયા હતા પરંતુ હાલ તેવો સસ્પેન્ડ છે. આ રીતે 72માંથી ભાજપે 68 બેઠક જીતી હતી. આટલી લહેર વચ્ચે પણ વોર્ડ નં.15માંથી કોંગ્રેસ ના ચારેય ઉમેદવારો જીત્યા હોય આ વખતે પણ અહીં જંગ જામે તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. જ્યારે વોર્ડ નં.11 અને 12 કે જ્યાં થોડા દિવસ પહેલાં જ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા દ્વારા જંગી જાહેરસભા યોજવામાં આવી હોવાથી તેના કારણે વાતાવરણ `આપ’ તરફી બની ગયું હોવાથી અહીં પણ જોરદાર મુકાબલો જોવા મળી શકે છે.
60 વટાવી ચૂકેલા કોર્પોરેટરો કહેવા લાગ્યા, નિયમમાં ફેરફાર થાય તો બહુ સારી
ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ કાર્યરત હતા ત્યારે તેમણે નિયમ બનાવ્યો હતો કે મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 60 વર્ષ વટાવી ચૂક્યા હોય તેવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે નહીં. જો કે હવે સી.આર.પાટીલની જગ્યાએ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા કાર્યરત છે ત્યારે તેઓ તેમના પૂરોગામીનો નિયમ યથાવત રાખે છે કે પછી ફેરફાર કરે છે તે તો આવનારો સમય કહેશે પરંતુ રોટેશન જાહેર થયા બાદ નવા સમીકરણ રચાતાં 60 વટાવી ચૂકેલા અથવા તો લગોલગ પહોંચી ગયેલા કોર્પોરેટરો કે જેઓ આગલી ટર્મમાં લડવા માટે પણ તૈયાર છે તેઓ એવું કહેતા સાંભળવા મળ્યા હતા કે પૂર્વ પ્રમુખે બનાવેલો નિયમ બદલે તો અમારું ગોઠવાઈ જશે !
