અમદાવાદ-મુંબઈ વચ્ચે કાલથી વધુ એક વંદે ભારત ટ્રેન શરૂ થશે
વડાપ્રધાન મોદી 12મીએ આપશે લીલી ઝંડી : સવારે મુંબઈ જઈને રાત્રે પરત આવવામાં સરળતા
અમદાવાદ-મુંબઇ વચ્ચે વધુ એક વંદે ભારતની શરૂઆત કરવાની જાહેરાત રેલ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. હાલ ગાંધીનગર-મુંબઇ વચ્ચે એક વંદે ભારત ટ્રેનનુ સંચાલન થઈ રહ્યું છે. આ ટ્રેન ગાંધીનગરથી બપોરે વાયા અમદાવાદ થઈને ચાલી રહી છે. જોકે મુસાફરોની માગ અને ધસારાના પગલે અમદાવાદથી સવારના સમયે વંદે ભારત દોડાવાનો નિર્ણય લેવાયો છે. સવારે મુંબઇ તરફ જનારાઓની સંખ્યા વધુ હોવાને પગલે મુંબઇ તરફના રૂટ પર મુસાફરોના ધસારો રહે છે. આગામી 12 માર્ચે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી આ નવી ટ્રેનનો શુભારંભ કરાવશે.
અમદાવાદથી મુંબઈ વચ્ચે શરુ થનારી વંદે ભારત ટ્રેનનું ટાઈમ ટેબલ આ મુજબ છે. આ ટ્રેન અમદાવાદથી સવારે 6.10 કલાકે ઉપડશે,વડોદરાથી 7.06, સુરતથી 8.30,વાપીથી 9.33,બોરીવલીથી 10.59 સેન્ટ્રલ પહોચશે 11.35 વાગ્યે. આ જ રીતે મુંબઈથી અમદાવાદ આવતી વંદે ભારત ટ્રેન મુંબઇ સેન્ટ્રલ (MMCT)થી બપોરે 3.25 કલાકે ઉપડશે. બોરીવલીથી 4.26, વાપીથી 5.53, સુરતથી6.55, વડોદરાથી 8.21 અને અમદાવાદ પહોંચશે રાત્રે 9.25 વાગ્યે.
વંદે ભારત ટ્રેન દ્વારકા સુધી દોડશે
જામનગરથી અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન હવે દ્વારકા સુધી લંબાવાઈ છે. આ ટ્રેન સવારે વહેલી સવારે 4 વાગ્યે દ્વારકાથી ઉપડીને 10 વાગે અમદાવાદ પહોંચશે અને સાંજના 6 વાગે અમદાવાદથી ઉપડીને રાત્રે 12 કલાકે દ્વારકા પહોંચશે.