જીએસટી કાઉન્સિલની બેઠકમાં કઈ વસ્તુ પર દર વધારવાનો નિર્ણય લેવાઈ શકે છે ? વાંચો
દેશમાં જૂના અને વપરાયેલા વાહનોનું માર્કેટ નોંધપાત્ર રીતે વધ્યું છે. ઘણી કંપનીઓ તેમના જૂના વાહનોને ઓછી કિંમતે વેચી રહી છે, પરંતુ આ જૂના વાહનો ખરીદનારાઓને મોટો ઝટકો લાગી શકે છે. જીએસટી કાઉન્સિલ ઇવી સહિત જૂના અને વપરાયેલા વાહનો પર જીએસટી વધારીને 18% કરી શકે છે, જે હાલમાં 12% છે. જો આવું થાય તો જૂના અને વપરાયેલા વાહનો મોંઘા થઈ શકે છે.
સાથોસાથ નાની પેટ્રોલ અને ડીઝલ કાર માટે પણ કાઉન્સિલ જીએસટી ૧૨ ટકાથી વધારી ૧૮ ટકા કરવા પર પણ ચર્ચા કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે કાઉન્સિલની 55મી બેઠક 21 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના જેસલમેરમાં યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની સાથે રાજ્યોના નાણા મંત્રીઓ પણ ભાગ લેશે.
ફિટમેન્ટ પેનલે વપરાયેલ ઇવી પર જીએસટી ૧૨ ટકાથી વધારીને ૧૮ ટકા કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત ૧૨૦૦ સીસીથી વધુની પેટ્રોલ કાર, ૧૫૦૦ સીસીથી વધુની ડીઝલ કાર પર તો પહેલાથી જ ૧૮ ટકા ટેક્સ લગાવાઈ રહ્યો છે. જ્યારે નવી ઇવી કાર પર ૧૨ ટકા જીએસટી લાગે છે.
તાજેતરમાં જ સીબીઆઇસીએ કહ્યું હતું કે જીએસટી દરોને તર્ક સંગત બનાવવા માટે મંત્રીઓના જૂથે હજુ સુધી જીએસટી કાઉન્સિલને પોતાની ભલામણો મોકલી નથી. કાઉન્સિલ જ ટેક્સ નિર્ધારણમાં અંતિમ નિર્ણય લેતી હોય છે. જો કે એમ માનવામાં આવે છે કે અન્ય કેટલાક પ્રોડક્ટ માટે પર દર વધારવાની ભલામણ કરવામાં આવી છે.