એક બાજુ ‘ગીફ્ટ’માં છૂટછાટ આપો છો, બીજી બાજુ શહેર-જિલ્લાની પોલીસને દારૂ પાછળ દોડાવો છોઃ અધિકારીના આ શબ્દ ઘણું બધું કહી જાય છે !
રાજકોટની પોલીસ કમિશનર કચેરીમાં બે અધિકારી ચેમ્બરમાં વાતોએ વળગ્યા હતા. બરાબર આ જ સમયે એક અધિકારીના વૉટસએપ ઉપર એક મેસેજ આવ્યો હતો જેમાં જણાવાયું હતું કે `તા.26થી 1 જાન્યુઆરી સુધી દેશી-વિદેશી દારૂના વેચાણ તેમજ બૂટલેગરો સામે ડ્રાઈવ કરવાની છે’ મતલબ કે સસલા ઉપર જેમ સિંહ તરાપ મારે તેમ પોલીસે બૂટલેગરો ઉપર તૂટી પડવાનું છે. આ મેસેજ હજુ પૂરો વાંચ્યો પણ ન્હોતો ત્યાં અધિકારીનું મોઢું થોડું બગડ્યું હતું જે જોઈ સામે બેઠેલા અધિકારીએ પૂછયું હતું કે `શું થયું ? એવો તો વળી કયો મેસેજ આવી ગયો ?’ આ સવાલ સાંભળતાં જ જેના ફોનમાં મેસેજ આવ્યો હતો તે અધિકારી પોતાના તીખા તમતમતા શબ્દો મૂખમાંથી બહાર કાઢતાં રોકી શક્યા ન્હોતા અને કહ્યું હતું કે એક બાજુ `ગીફ્ટ’ એટલે કે ગાંધીનગર ખાતે ગીફ્ટ સિટીમાં આવનારા લોકોને દારૂ પીવામાં મહદ અંશે છૂટછાટ આપી દીધી છે અને બીજી બાજુ શહેર-જિલ્લાની પોલીસને દારૂ પાછળ દોડાવવામાં આવી રહી છે ત્યારે આખરે સાબિત શું કરવાનું છે એ સમજાઈ રહ્યું જ નથી. આ સાંભળી સામે બેઠેલા અધિકારીએ કહ્યું હતું કે `તમારી વાત 100% સાચી છે પરંતુ આપણે રહ્યા ચીઠ્ઠીના ચાકર, આપણને તો `ઉપર’થી હુકમ આવે એટલે તેનું પાલન કરવાનું જ રહ્યું ને…તો ચાલો, હવે દારૂ સામે ડ્રાઈવ શરૂ કરી દેશું ને ?’
ભાઈસા’બ કેટલા નેતા-નેતીને સાયકલ આવડે છે, કેટલો સમય ચલાવે છે એ તો કહો…!
ત્રણ દિવસ પહેલાં 25 ડિસેમ્બરે મહાપાલિકા દ્વારા સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને આ વખતે `સ્વદેશી સાયક્લોથોન’ નામ આપવામાં આવ્યું હતું. આમ તો આ ઈવેન્ટમાં ત્રણ હજાર જેટલા સાયકલવીરો જોડાયા હોવાનો દાવો તંત્રએ કર્યો હતો. ખેર, સંખ્યામાં પડવાની જગ્યાએ ત્યાં ઉપસ્થિત સાયકલીસ્ટોમાં જે `કાનાફૂસી’ થઈ રહી હતી તેની ચર્ચા કરવી જરૂરી બની જાય છે. સાયકલોથોન શરૂ થાય તે પહેલાં ઉપસ્થિત રહેલા મેયર, ધારાસભ્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના નેતા-નેતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને `રાબેતા મુજબ’ની જેમ વ્હેલી સવારે ઉંઘમાંથી ઉઠ્યા બાદ પણ ભાષણરૂપી ફટકાબાજી કરવાનું ચૂક્યા ન્હોતા. આ તમામ નેતા-નેતીઓએ સાયકલથી ખુદને અને શહેરને કેટલા ફાયદા થાય છે તેનું મસમોટું ભાષણ આપ્યું હતું ત્યારે આ ભાષણ સાંભળી અમુક ટીખળખોર સાયકલીસ્ટો દ્વારા એવો ટોણો પણ મારવામાં આવ્યો હતો કે ભાઈસા’બ કેટલા નેતા-નેતીઓને સાયકલ આવડે છે, તેઓ કેટલો સમય સાયકલ ચલાવે છે એ તો કહો એટલે અમને’ય ખબર પડે કે તમારું ભાષણ સાચે જ અસરકારક છે. લોકો તો એવું પણ કહી રહ્યા હતા કે અમે સ્ટેજ ઉપર હાજર એક પણ નેતા-નેતીને ક્યારેય સાયકલ ચલાવતા જોયા નથી ! હા, જ્યારે જ્યારે જોયા છે ત્યારે તેઓ આવા કાર્યક્રમોમાં થોડા અંતર સુધી પેડલ મારી માંડ માંડ સાયકલ ચલાવી સંતોષ માની લ્યે છે ત્યારે પહેલાં તો તેમણે સાયકલ ચલાવવાનું શરૂ કરીને આવું ભાષણ આપવું જોઈએ બાકી અમને પણ ખબર જ છે કે સાયકલ ચલાવવાથી અમને અને શહેરને શું ફાયદો થવાનો છે. તો ચાલો, ભગવાનનું નામ લઈને આપણે સાયકલ ચલાવવાનું શરૂ કરીને જલ્દી ઘરભેગા થઈએ !!
સંજલો તો પકડાતો નથી, માતા રમાને ક્રાઈમ બ્રાન્ચનાં દરવાજા દેખાડાયા !
જંગલેશ્વરમાં દારૂ, ગાંજો સહિતના નશીલા દ્રવ્યોમાં એક સમયે જેનું એકહથ્થું શાસન હતું અથવા તો હજુ પણ છે (આ વાતની પુષ્ટિ `વોઈસ ઓફ ડે’ નથી કરતું) તે રમા સંધીનો પુત્ર સમીર ઉર્ફે સંજલા સામે હરિફ પેંડાગેંગ ઉપર ફાયરિંગનો ગુનો નોંધાયાને આજે સોમવારે બે મહિના પૂર્ણ થઈ રહ્યા છે આમ છતાં પોલીસ તેને પકડી શકી નથી અથવા તો `પાણીદાર’ ક્રાઈમ બ્રાન્ચનો પન્નો ટૂંકો પડી રહ્યો છે ત્યારે સંજલો તો પકડાય ત્યારે સાચું પરંતુ તેના પહેલાં તેની માતા રમા સંધી કે જે પોલીસને કડવા વેણ કહેવા માટે જાણીતી છે તેને જામનગર રોડ ઉપર આવેલી ક્રાઈમ બ્રાન્ચના દરવાજા દેખાડવામાં આવ્યા હતા. સંજલા સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાયેલો હોવાથી તેણે વસાવેલી બેનામી મિલકત જપ્ત કરવાથી હોવાથી સંજલાએ ક્યાં ક્યાં જંગલ ઉભું કર્યું છે તેની વિગત ઓકાવવા માટે રમાને ક્રાઈમ બ્રાન્ચે બોલાવવામાં આવી હતી. રમા શરીરે `ભારેખમ’ હોવાથી રિક્ષામાં બેસીને ક્રાઈમ બ્રાન્ચ સુધી તો પહોંચી ગઈ હતી પરંતુ ત્રીજા માળ સુધી પહોંચી શકવા માટે સક્ષમ ન હોવાથી એક પીએસઆઈ અને રાઈટર નીચે આવી ગયા હતા અને રમાને રિક્ષામાં બેસાડીને જ તેનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
અમે જેવો પતંગોત્સવ યોજવાના છીએ તેવો યોજવાની મહાપાલિકામાં તાકાત નથી !
આગામી 10 અથવા 11 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આ દરમિયાન શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનો પતંગોત્સવ યોજવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા મહાપાલિકાના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરાય છે પરંતુ આ વખતે કદાચ વડાપ્રધાનના હસ્તે પતંગોત્સવનું ઉદ્ઘાટન થવાનું હોવાની વાતે જોર પકડ્યું છે ત્યારે મહાપાલિકાને સાઈડમાં મુકી આખોયે કાર્યક્રમ પ્રવાસન વિભાગ જ યોજશે તેવો નિર્ણય લેવાઈ ચૂક્યો છે અને આ પ્રકારનો ઈ-મેઈલ પણ મહાપાલિકાને મળી ચૂક્યો છે. હવે મહાપાલિકાને શા માટે કાર્યક્રમના આયોજનમાં સાથે ન રખાઈ તેવો સવાલ થવો વ્યાજબી છે એટલે આ અંગે એક અધિકારીને પૂછવામાં આવતાં તેમણે ખોખારો ખાઈને કહ્યું હતું કે અમે જે પતંગોત્સવ યોજવાના છીએ તેવો કાર્યક્રમ યોજવાની મહાપાલિકામાં તાકાત નથી !! દર વર્ષે મહાપાલિકાને સાથે રાખીને અમે આ કાર્યક્રમ યોજીએ છીએ પરંતુ ત્યારે મહાપાલિકાએ ટેબલ-ખુરશી, મંડપ, ડોમ સહિતની જ વ્યવસ્થા કરવાની હોય છે જે તે કરવા માટે સક્ષમ છે પરંતુ આ વર્ષે જે કાર્યક્રમ થવાનો છે તેમાં તેનો પન્નો ટૂંકો પડે ! આમ અન્ય મહાપાલિકાની તુલનાએ રાજકોટ મહાપાલિકાને પ્રવાસન વિભાગ હળવાશથી લઈ રહ્યું હોવાનું લાગ્યા વગર રહેતું નથી.
પોલીસમાં જાવ, મહાપાલિકામાં જાવ કે કલેક્ટર કચેરીમાં જાવ…એક જ વાત સંભળાશે `વાયબ્રન્ટ સમિટ’
રાજકોટમાં પહેલીવાર વાયબ્રન્ટ સમિટિનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સ્વાભાવિક રીતે આખુંયે તંત્ર `વાયબે્રટ’ થવાનું જ છે. કાર્યક્રમ આડે હવે 12 દિવસનો સમય બાકી રહ્યો છે ત્યારે અત્યારે સરકારની મહત્ત્વની કચેરીઓ જેમાં પોલીસ તંત્ર, મહાપાલિકા કચેરી કે કલેક્ટર કચેરી કોઈ પણ કચેરીમાં અત્યારે જાવ એટલે વર્ગ-4ના કર્મચારીથી લઈ વર્ગ-1ના અધિકારી સુધીના મોઢે વાયબ્રન્ટ સમિટ સાંભળવા મળશે મળશે અને મળશે જ. કોઈ અરજદાર બેઠા હોય ત્યારે અધિકારીના ફોન ઉપર ફોન આવે એટલે ત્યારે એ અધિકારી પણ `વાયબ્રન્ટ સમિટ’નો ઉલ્લેખ કરે કરે અને કરે જ છે ત્યારે અત્યારે અરજદારોનું કામ પતે કે ન પતે પરંતુ વાયબ્રન્ટને સાંગોપાંગ પૂર્ણ કરવાના લક્ષ્યાંક સાથે ત્રણેય તંત્ર વળગ્યા હોવાનું લાગ્યા વગર રહેતું નથી. વળી, ત્રણેય તંત્રના અધિકારીઓની `કોર ટીમ’ બનાવી દેવામાં આવી હોય આ અધિકારીઓ અત્યારે મુળ કામગીરી પાછળ ઓછો અને વાયબ્રન્ટની તૈયારી પાછળ વધુ સમય આપી રહ્યા હોવાની `કાનાફૂસી’ પણ સાંભળવા મળી છે ત્યારે કચેરીઓના ધક્કા ખાતાં અરજદારો ભારે હૈયે કહી રહ્યા છે કે ઝડપથી આ કાર્યક્રમ પૂર્ણ થાય તો અમારા કામ પતે…!
