પ્રસિદ્ધ સોમનાથ મંદિર આસપાસની સરકારી જમીન પર દબાણ હટાવવા હાથ ધરવામાં આવેલ મેગા-ડીમોલીશન મામલે મુસ્લિમ પક્ષ દ્વારા સુપ્રિમ કોર્ટેના દ્વાર ખખડાવવામાં આવતા સુપ્રીમ કોર્ટે યથાવત સ્થિતિ જાળવી રાખવાની માંગણી કરતી અરજી ફગાવી દીધી હતી.જો કે, સુપ્રીમકોર્ટના આદેશની અવગણના કરવા મામલે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, જો અધિકારીઓએ મિલકત તોડી પાડવા આદેશની અવગણના કરી હશે તો તોડી પાડવામાં આવેલાં બાંધકામોને ફરીથી બનાવી આપવા પડશે અને આવા દોષિતોને જેલમાં મોકલીશું.
જસ્ટિસ બી આર ગવઈ અને કે. વી. વિશ્વનાથનની બનેલી બેંચ 17 સપ્ટેમ્બરથી કોર્ટનાં આદેશના ઉલ્લંઘન પર તિરસ્કારની કાર્યવાહી માટેની તપાસ કરી રહી હતી, જેમાં કોર્ટની પૂર્વ પરવાનગી વિના, ગુનાહિત આરોપો સાથે સંકળાયેલી મિલકતો અને બીજી કોઈપણ મિલકતો તોડી પાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. દરમિયાન સોમનાથ ખાતે હાથ ધરવામાં આવેલ મેગા ડિમોલિશન મામલે અરજદાર સમસ્ત પટણી મુસ્લિમ જમાતનું પ્રતિનિધિત્વ કરતાં વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટનાં નિર્દેશ છતાં ગુજરાત સત્તાવાળાઓએ ડિમોલિશનની કાર્યવાહી કરી હતી. કેસની સુનાવણી દરમિયાન, બેન્ચે કહ્યું હતું કે, “જો અમને લાગશે કે તેઓ અમારા આદેશની અવહેલના કરી રહ્યાં છે, તો અમે તેમને જેલમાં મોકલીશું પરંતુ અમે તેમને આ બધું પુન:સ્થાપિત કરવા માટે કહીશું
બીજી તરફ સુપ્રિમ કોર્ટનાં ન્યાયમુર્તિ બીઆર ગવઈની ખંડપીઠે પ્રભાસ પાટણનાં મુસ્લીમ સમુદાય દ્વારા યથાવત સ્થિતિ જાળવી રાખવા અરજી ફગાવી હતી અને આ ખાલી કરાવાયેલી જગ્યા સોમનાથ મંદિર ટ્રસ્ટને સુપ્રત કરવાનાં તથા તેની આસપાસ ફેન્સીંગ કરવાના નિર્ણયને પણ સ્ટે કરવાનો ઈન્કાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત તા.28 સપ્ટેમ્બરનાં રોજ સોમનાથ મહાદેવ મંદિરની આજુબાજુમાં સરકારી જમીન ઉપર ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામ હટાવવા મામલે ઓપરેશન ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સુપ્રિમ કોર્ટે જ આપેલી માર્ગરેખા મુજબ આ ડીમોલીશન કરાયુ છે અને આ સરકારી જમીન જ હતી અને 2023 ની દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને પક્ષકારોને નોટીસ તથા સુનાવણીનો પુરતો સમય અને તક અપાઈ હતી પક્ષકારોને વકફ બોર્ડ સહીત ઓથોરીટીનો સંપર્ક કર્યો હતો? પણ કયાંયથી રાહત મળી ન હતી. સમુદ્રની નજીક 340 મીટર દુર થયેલા સોમનાથ મંદિર પાસે જ આ ગેરકાનુની દબાણ ખડકાયું હતું. સુપ્રિમકોર્ટની ખંડપીઠે અરજી અંગે નોટિસ જારી કરી ન હતી પરંતુ મહેતાને જવાબ રજૂ કરવા કહ્યું હતું. આ કેસની આગળની સુનાવણી આગામી તા.16 ઓક્ટોબરે થશે.