અધિકારી ઓફિસમાં ન દેખાવા જોઈએ, ફિલ્ડમાં રહી રાજકોટની ‘દશા’ સુધારો ! 15 દિવસમાં બધું જ ઠીક કરવા સ્ટેન્ડિંગ ચેરમેને આપ્યું અલ્ટીમેટમ
રાજકોટમાં ચોમાસું હજુ જોઈએ તેવું જામ્યું નથી અને છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. જો કે સામાન્ય વરસાદમાં પણ ઠેર-ઠેર પાણી ભરાઈ જવા, મસમોટા ગાબડાં પડી જવાનું શરૂ થઈ જતાં લોકો રીતસરના બેબાકળા બની જવા પામ્યા છે અને મહાપાલિકાના પદાધિકારીઓ-અધિકારીઓને ભાંડી રહ્યા છે ત્યારે આખરે આ પદાધિકારીઓએ કડક હાથે કામ કરવા માટે અધિકારીઓને પંદર દિવસનું અલ્ટીમેટમ આપી દીધું હતું અને સાથે સાથે અધિકારીએ ઓફિસમાં બેસવાની જગ્યાએ ફિલ્ડમાં રહીને રાજકોટની `દશા’ સુધારવાનું સ્પષ્ટ શબ્દોમાં સુણાવી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : પડધરી પંથકમાં એક જ દિવસમાં બે-બે હત્યા: આડાસંબંધની શંકાએ શ્રમિકનું ઢીમ ઢાળી દીધું, જમાઇએ પત્ની સાથે મળી સસરાને ઉતાર્યા મોતને ઘાટ

બુધવારે સ્ટેન્ડિંગ કમિટીની સંકલન બેઠક શરૂ થાય તે પહેલાં ચેરમેન જયમીન ઠાકર તેમજ કમિટીના સભ્યોએ ત્રણેય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ સિટી ઈજનેર સહિતના અધિકારીઓ સાથે પંદર મિનિટ સુધી બેઠક કરી હતી. આ બેઠકમાં એક બાદ એક તડાપીટ બોલાવવાનું શરૂ કરાતાં અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા. ચેરમેન સહિત આખી કમિટીએ અધિકારીઓને સંભળાવી દીધું હતું કે આજથી એક પણ અધિકારી ઓફિસમાં બેઠેલા જોવા મળવા ન જોઈએ. તમામે ફિલ્ડમાં રહી નાના-મોટા ખાડા બૂરવા, ઉભરાઈ રહેલી ગટર ઠીક કરાવવા, પાણી ન ભરાય તે માટે આગોતરી તૈયારી કરવા સહિતની કામગીરી કરવી પડશે.
આ પણ વાંચો : Olympics 2036 : અમદાવાદ ઑલિમ્પિકનું સત્તાવાર દાવેદાર બન્યું, ભારત પહેલીવાર ઓલિમ્પિક યોજવાની રેસમાં થયું સામેલ

આ બેઠકમાં એવો મુદ્દો પણ ચર્ચાયો હતો કે હજુ તો સામાન્ય વરસાદ જ પડ્યો છે ત્યારે રાજકોટની હાલત આટલી ખરાબ થઈ ગઈ છે ત્યારે અધિકારીઓ શા માટે લોકો ફરિયાદ કરે તેની રાહ જુએ છે ? શા માટે ફિલ્ડમાં રહીને સ્થિતિ ઉપર નજર રાખી રહ્યા નથી ? હવે આ બધું નહીં ચાલે અને પંદર દિવસની અંદર જ રાજકોટની દશા સુધારવી પડશે.