રાજકોટની બી.એ.ડાંગરની માન્યતા રદ કરવા NSUIનો વિરોધ : કલેકટરને આવેદન આપી મૃતક વિદ્યાર્થીને ન્યાય આપવા માગ
વિવાદનો પર્યાય બની ગયેલી રાજકોટના પરાપીપળીયા નજીક આવેલ બી.એ.ડાંગર હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને કોલેજના સંચાલકોએ ચાલુ પરીક્ષાએ બહાર કાઢી મુકતા માનસિક તણાવમાં આવી ગયેલા વિદ્યાર્થીએ આપઘાત કરી લેવા પ્રકરણમાં એબીવીપી અને NSUI મેદાનમાં આવ્યું છે. ગુરુવારે ડાંગર કોલેજ ખાતે રજુઆત કરવા ગયેલા એબીવીપીના કાર્યકરોએ તાળાબંધી કરવા પ્રયાસ કરતા સાત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી તેમજ આજે NSUIના કાર્યકરો દ્વારા આ મામલે વિરોધ કરીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ કોલેજની માન્યતા રદ કરવા માંગણી કરી હતી.
કોલેજની માન્યતા રદ કરવાની માગ
રાજકોટની બી એ ડાંગર કોલેજમાં વિદ્યાર્થીના આપઘાત મામલે આજે NSUIના કાર્યકરો મોટી સંખ્યામાં કલેકટર કચેરી ખાતે હાથમાં બેનરો સાથે પહોંચ્યા હતા અને કોલેજની માન્યતા રદ કરવા માટે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા આવ્યું હતું.

NSUIના પ્રમુખ નરેન્દ્ર સોલંકીના જણાવ્યા અનુસાર રાજકોટ-જામનગર રોડ ઉપર પરાપીપળીયા ખાતે આવેલ બી એ ડાંગર કોલેજમાં હોમીઓપેથીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા ધર્મેશ કળસરિયા નામના વિદ્યાર્થીએ કોલેજના પ્રશાંશનના ત્રાસને કારણે આપઘાત કરી લીધો હતો. બોગસ ડૉક્ટર,બોગસ પ્રોફેસર અને બોગસ નર્સિંગ સ્ટાફને લઈને આ કોલેજ વિવાદમાં આવી ચૂકી છે. ત્યારે આ કોલેજ સામે પગલાં લેવામાં આવે અને કોલેજની માન્યતા રદ કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

ગઇકાલે ABVP દ્વારા કોલેજને તાળાબંધી કરવા પ્રયાસ
ABVPના જણાવ્યા મુજબ રાજકોટ-જામનગર રોડ ઉપર પરાપીપળીયા ખાતે આવેલ બી એ ડાંગર કોલેજમાં હોમીઓપેથીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા ધર્મેશ કળસરિયા નામના વિદ્યાર્થીએ માનસિક તણાવના કારણે આપઘાત કરી લીધો હતો. આ ગંભીર બનાવમાં વિદ્યાર્થીના મિત્રો અને પરિવારજનોના જણાવ્યા મુજબ વિદ્યાર્થીને સતત પરીક્ષામાં ATKT આવતી હોવાથી, કોલેજના કેમ્પસ ડાયરેક્ટર અને કોઈ અન્ય કર્મચારી દ્વારા તેની પાસેથી પરીક્ષામાં ચોરી કરાવી પાસ કરવી આપશે તેવા આશયથી અમુક રૂપિયાની માંગણી કરવામાં આવેલ હતી જેમાંથી અમુક રકમ આપ્યા બાદ પૂરી રકમના આપી શકતા કોલેજના કર્મચારી દ્વારા ચાલુ પરીક્ષા ખંડમાંથી તેમને બહાર કાઢી મુકવામાં આવ્યો હતો. જેથી તે વિદ્યાર્થી માનસિક તણાવવામાં આવી આપઘાત કરી લીધો હતો.
આ પણ વાંચો : રાજકોટ -જેતપુર નેશનલ હાઇવે પર હવે ખાડા નહીં પડે ! કલેકટર ઓમપ્રકાશનું મહત્વપૂર્ણ નિવેદન
વધુમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના મહામંત્રીએ ઉમેર્યું હતું કે, આ ગંભીર બાબતે વિદ્યાર્થી પરિષદ દ્વારા બી.એ ડાંગર કોલેજમાં રજૂઆત કરવા જતા સાત કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી હતી. જો કે, વિદ્યાર્થીના આપઘાતના આ બનાવમાં હજુ સુધી કોલેજ પ્રશાસન દ્વારા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોય એબીવીપીની રજુઆત સમયે મામલો ગરમાયો હતો અને તાળાબંધી સાથે ઉગ્ર વાતાવરણમાં કોલેજના કાચ પણ ફૂટ્યા હતા. સમગ્ર મામલે એબીવીપીએ જણાવ્યું હતું કે, ડાંગર કોલેજમાં પેપર ફૂટવા, ચોરી કરાવવા જેવી બાબતો અગાઉ બની હોવા છતાં કોઈ જ પગલાં લેવાયા નથી ત્યારે શિક્ષણ જગત માટે કલંક સમાન આ ઘટનામાં ઘટતું કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
