હોળીમાં અમેરિકાથી વતન આવેલા NRIની ગોળી મારીને હત્યા : સોનાનો ચેન લૂટવા આવેલા લોકોએ જ હુમલો કર્યો
બિહારના વૈશાલી જિલ્લામાં એક એનઆરઆઈની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટના હાજીપુર-જંદાહા મુખ્ય માર્ગ પર શુક્રવારે સવારે થઈ હતી. મૃતકની ઓળખ જંદાહા વિસ્તારના સકરૌલી બુચૌલી રહેવાસી રમાશંકર ચૌધરીના પુત્ર રાહુલ આનંદ તરીકે થઈ છે. રાહુલ હોળીના તહેવાર પર અમેરિકાથી પોતાના ગામ આવ્યો હતો. ગળામાંથી સોનાની ચેઈન છીનવ્યાનો વિરોધ કરવા પર બે બાઈક સવાર લૂંટારાઓએ તેને ગોળી મારી દીધી હતી અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
એનઆરઆઈ રાહુલ આનંદ હાજીપુર દિગ્ધી કલા પૂર્વી સ્થિત ઘરેથી માતાને લઈને બાઈકથી ગામ તરફ નીકળ્યો. તે લોકો એનએચ 322 માર્ગમાં ઉફરૌલ ડેની પુલની પાસે જ પહોંચ્યા હતા કે બાઈક સવાર બે ગુનેગારોએ તેમની ગાડી રોકાવી. બદમાશોએ તેના ગળામાંથી ચેન છીનવવાનો પ્રયત્ન કર્યો. વિરોધ કરવા પર કમરમાં ગોળી મારી અને ભાગી છુટ્યા હતા.
સ્થાનિક લોકોએ પોલીસને માહિતી આપી. પોલીસની મદદથી ગંભીર સ્થિતિમાં તેને એક પ્રાઈવેટ હોસ્પિટલ લઈ જવાયો. સારી સારવાર માટે પટનાના એક મોટા પ્રાઈવેટ હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો પરંતુ સારવાર દરમિયાન રાહુલનું મોત નીપજ્યું હતું.
રાહુલ આનંદ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યા બાદ અમેરિકામાં નોકરી કરી રહ્યો હતો. એક અઠવાડિયા પહેલા જ તે યુએસથી ગામડે આવ્યો હતો. તેની પત્ની 6 વર્ષની પુત્રીની સાથે હાજીપુરમાં રહે છે. તે એક પ્રાઈવેટ સ્કુલમાં શિક્ષિકા છે. બંનેના લગ્ન 8 વર્ષ પહેલા થયા હતા. રાહુલ ગામડે આવીને પોતાના પૈતૃક મકાનમાં સમારકામનું કામ કરાવી રહ્યો હતો. રાહુલના મોટા ભાઈ રવિ ભૂષણ ચૌધરી હાજીપુર કોર્ટમાં વકીલ છે.