હવે શિયાળો જામશે : તાપમાનનો પારો 18.6 ડીગ્રી, અંબાલાલ પટેલે રેકોડબ્રેક ઠંડીને લઈને કરી આગાહી
રાજકોટમાં શિયાળો ધીમે ધીમે પગરવ કરી રહ્યો હોય તેવા અણસાર વચ્ચે શનિવારે લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરતા જોવા મળ્યો હતો. શનિવારે રાજકોટમાં લઘુતમ તાપમાન 18.6 ડીગ્રી અને મહત્તમ તાપમાનનો પારો 35.8 ડીગ્રી રહ્યો હતો.
ચાલુ વર્ષે રાજ્યમાં શિયાળો વિલંબથી શરૂ થયો હોય તેવા સંકેતો વચ્ચે દિવાળી અને દેવદિવાળી બાદ પણ લઘુતમ તાપમાન અને મહત્તમ તાપમાનમા ઘટાડો થયો ન હતો. જો કે, છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત રાજ્યમાં તાપમાનનો પારો સડસડાટ નીચે ઉતરી રહ્યો છે. શુક્રવારે લઘુતમ તાપમાન 19.4 ડીગ્રી રહ્યા બાદ શનિવારે લઘુતમ તાપમાન ઘટીને 18.6 ડીગ્રી રહ્યું હતું. એ જ રીતે શુક્રવારે મહત્તમ તાપમાન 36.4 ડીગ્રી રહ્યા બાદ શનિવારે ઘટાડો થવાની સાથે મહત્તમ તાપમાન પણ ઘટીને 35.8 ડીગ્રી રહેતા શિયાળો જામવાની શરૂઆત થઈ હોવાના સંકેત મળી રહ્યા છે.
સ્વેટર -ધાબળા તૈયાર રાખજો ! અંબાલાલની આગાહી
મહત્તમ અને લધુતમ તાપમાનમાં ઘટાડો પણ નોંધાયો છે ત્યારે રાજ્યમાં આગામી સમયમાં લોકોએ સ્વેટર અને ધાબળા તૈયાર રાખવાની હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે ઉત્તર ભારતમાં હિમવર્ષામાં રાજ્યમાં આ વખતે રેકોર્ડબ્રેક ઠંડી પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, જ્યાં સુધી મજબૂત પશ્ચિમી વિક્ષેપ નહીં આવે ત્યાં સુધી ઠંડી પડવાની શક્યતા નહીવત છે. અત્યારે એક પશ્ચિમી વિક્ષેપ આવશે પરંતુ તે મજબૂત નથી. આમ છતાં 17 નવેમ્બરથી ગરમીમાં કઈક અંશે ઘટાડો થવાથી ઠંડીનું જોર વધશે. આ મહિનાના અંતમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવશે. જેના કારણે દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા રહેશે. જેથી લઘુત્તમ તાપમાનમાં ઝડપથી ઘટાડો નોંધાશે.
ડિસેમ્બર મહિનાની શરૂઆતથી કાતિલ ઠંડી પડવા લાગશે. જેમાં 27 ડિસેમ્બરથી ગુજરાતના કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી તો કેટલાક ભાગોમાં 8 ડિગ્રી સુધી જવાની શક્યતા રહેશે. આમ આ વખતે શિયાળામાં રેકોર્ડ બ્રેક ઠંડી માટે લોકોએ તૈયાર રહેવું પડશે.