હવે આપણે નવા મંત્રીઓ…મંત્રીમંડળમાં ફેરફાર અને પ્રદેશ પ્રમુખની નિમણુંકનો અણસાર આપતા સી.આર.પાટીલ
ગુજરાત ભાજપમાં પ્રદેશ પ્રમુખ અને મંત્રી મંડળના વિસ્તરણનો પ્રશ્ન ઘણા લાંબા સમયથી અટકેલો છે ત્યારે પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે કમલમ ખાતે મળેલી બેઠકમાં કહ્યું હતું કે, “હવે આપણે જ્યારે મળીશું ત્યારે નવા મંત્રીઓ અને નવા અધ્યક્ષ સાથે મળીશું.” તેમના આ નિવેદનથી રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારના સ્પષ્ટ સંકેતો મળ્યા છે.
સી.આર. પાટીલે ધારાસભ્યો અને સાંસદોને સંબોધતા કહ્યું કે, જેનો નંબર લાગશે તે નસીબદાર હશે.જેને સ્થાન મળશે તે ખુશ થશે અને અમે પણ ખુશ થઈશું કે નવા લોકોને તક મળી રહી છે. તેમણે મંત્રીમંડળ વિસ્તરણ અંગે વાતવાતમાં સંકેત આપતા જણાવ્યું કે, ટૂંક સમયમાં સારા સમાચાર આવશે.
આ ઉપરાંત, તેમણે નવા પ્રદેશ અધ્યક્ષ અંગે પણ વાત કરી અને કહ્યું કે આ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે નવા પદાધિકારીઓને સલાહ આપતા કહ્યું કે, “જેમને જવાબદારી મળે તે શાંતિથી અને સંભાળીને કામ કરે.” આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.સી.આર. પાટીલે ૨૦ જુલાઈ, ૨૦૨૦ના રોજ પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો અને તાજેતરમાં તેમને પાંચ વર્ષ પૂર્ણ થયા છે.
