હવે સરકારી બસોમાં મુસાફરી થશે મોંધી : નવા વર્ષે એસ.ટી.ના મુસાફરોને ભાવ વધારાનો ડામ: આજે મધરાતથી ભાડામાં 3 ટકાનો વધારો
ગુજરાત એસ.ટી નિગમે મધરાતથી લોકલ, એક્સપ્રેસ, વોલ્વો અને ઈ-બસ સહિતની તમામ બસના ભાડામાં ૩ ટકા જેટલો વધારો ઝીંકીને મુસાફરી જનતાને નવા વરસે જ પોંખી છે. આ વધારાની અસર ખાસ ખાસ કરીને ટૂંકા અંતરની મુસાફરી ઉપર નહી પડે પણ લાંબી મુસાફરી કરનારાને ભાડામાં 1 થી 16 રૂપિયા સુધીનો વધારાનો ડામ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 28 માર્ચ, 2025ના રોજ ભાડામાં 10 ટકાનો વધારો કર્યો હતો. 9 મહિનામાં બીજીવાર ભાડા વધારો કરવામાં આવ્યો છે.નવું ભાડુ મધરાતથી જ લાગુ થઇ ગયું છે.
નિગમના જણાવ્યા અનુસાર, પરિવહન સેવાઓ ને વધુ આધુનિક અને સુવિધાજનક બનાવવા માટે આ નિર્ણય લેવો અનિવાર્ય હતો. રાજ્યમાં દરરોજ એસ.ટી. બસનો લાભ લેતા અંદાજે 27 લાખ મુસાફરોને આ નવું ભાડું અસર કરશે.
નિગમે આ ભાવ વધારામાં સામાન્ય મુસાફરો અને વિદ્યાર્થીઓનું ખાસ ધ્યાન રાખ્યું છે. જે મુસાફરો 9 કિલોમીટર સુધીની ટૂંકી મુસાફરી કરે છે, તેમના ટિકિટ દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી.જે મુસાફરો 10 કિ.મી. થી લઈને 60 કિ.મી. સુધીની મુસાફરી કરે છે, તેમના ભાડામાં માત્ર 1 રૂપિયાનો નજીવો વધારો કરવામાં આવ્યો છે. જયારે એક્સપ્રેસ બસમાં 1 થી 15 રૂપિયા, ગુર્જર નગરીમાં 1 થી 16 રૂપિયા અને લક્ઝરી બસમાં પણ 1 થી 16રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. નિગમે તમામ વોલ્વો અને ઇલેક્ટ્રિક બસના ભાડામાં પણ વધારો જાહેર કર્યો છે.
આ પણ વાંચો :ભર શિયાળે માવઠું: કમોસમી વરસાદને પગલે જગતનો તાત ચિંતામાં,પાક બચાવવા આટલું ખાસ કરજો, ખેડૂતો માટે સરકાર દ્વારા ગાઇડલાઇન જારી
લોકલ બસમાં 9 કિમી સુધી કોઈ વધારો નહીં
લોકલ બસમાં 9 કિલો મીટર સુધીના મુસાફરોને કોઈ ભાડા વધારો લાગુ પડશે નહીં. જ્યારે 10થી 60 કિમીમાં રૂ.1નો વધારો કરવામાં આવ્યો છે. જેથી લોકલ સર્વિસમાં મુસાફરી કરતા મુસાફરો પર આ ભાડા વધારાની નહિવત અસર જ પડશે.
