હવે કોર્પોરેશન અને તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણી SIR બાદ: ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની મુદત થશે પૂર્ણ
બિહાર બાદ કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં સિસ્ટમેટિક ઈલેક્ટોરલ રોલ વેરિફિકેશન એટલે કે એસઆઇઆર શરૂ કરવા આદેશ આપ્યો છે ત્યારે રાજ્યમાં આગામી ડિસેમ્બર માસમાં કોર્પોરેશન, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોની મુદત પૂર્ણ થઇ રહી હોય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હવે SIR બાદ યોજાય તેવા સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. **SIRની કામગીરીને કારણે હાલમાં 1-10-25ની સ્થિતિએ તૈયાર મતદાર યાદી લોક કરી દેવામાં આવી છે. જે હવે આગામી તા.9 ડિસેમ્બરે SIR બાદ ફરી ખુલશે.
દેશના ચૂંટણી પંચે ગુજરાત સહિત 12 રાજ્યોમાં સિસ્ટમેટિક ઈલેક્ટોરલ રોલ વેરિફિકેશન **(SIR) લાગુ કરવા આદેશ આપતા SIRની કામગીરીનો પ્રારંભ થયો છે. એસઆઇઆરનો મુખ્ય હેતુ મતદાર યાદીમાં બેવડાયેલા નામોને કારણે ચૂંટણીઓમાં થતા બોગસ વોટિંગને અટકાવવાનો છે.એસઆઇઆર અંતર્ગત બુથ લેવલ ઓફિસરો મતદારોના ઘેર-ઘેર જઈ મતદારોની તમામ વિગતો મેળવશે. એસઆઇઆર કામગીરીમાં ડુપ્લીકેટ મતદારો, મૃતકોના નામ અને બે સ્થળે મતદાર યાદીમાં નામ ધરાવતા કેસોની ચકાસણી કરીને તેમને દૂર કરવામાં આવશે. આ કામગીરી માટે રાજ્યમાં 50,963 બૂથ લેવલ ઓફિસરો **(BLO) ઘરે-ઘરે જઈને દરેક ઘરની ત્રણ વખત મુલાકાત લઈને મતદારોનું વેરિફિકેશન કરશે. ગુજરાતમાં હાલની સ્થિતિએ 5 કરોડથી વધુ મતદારો નોંધાયેલા છે.
દરમિયાન રાજકોટ જિલ્લાની સ્થિતિ જોઈએ તો જિલ્લામાં 68- રાજકોટ ઈસ્ટ, 69- રાજકોટ વેસ્ટ, 70- રાજકોટ સાઉથ, 71- રાજકોટ રૂરલ, 72- જસદણ, 73- ગોંડલ, 74- જેતપુર અને 75- ધોરાજી બેઠક મળી કુલ આઠ વિધાનસભા બેઠકમાં 23.85 લાખ જેટલા મતદારોનો સમાવેશ થાય છે અને 2256 મતદાન મથકો આવેલ હોય તમામ 2256 બીએલઓ તા.4 નવેમ્બરથી 4 ડિસેમ્બર દરમિયાન મતદારોની ડોર ટુ ડોર ચકાસણી કરી એસઆઇઆરની કામગીરી કરશે. બાદમાં તા.9 ડિસેમ્બરથી એસઆઇઆર બાદ ફરી મતદાર યાદીમાં નામ નોંધણી શરૂ કરવામાં આવશે.
રાજ્ય ચૂંટણી પંચનો નિર્ણય આખરી રહેશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં છે તેવા સમયે જ સિસ્ટમેટિક ઈલેક્ટોરલ રોલ વેરિફિકેશન એટલે કે એસઆઇઆરની કાર્યવાહી શરૂ થઇ છે ત્યારે SIRથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કોઈ અસર પડશે કે કેમ તે અંગે રાજકોટ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારને પૂછતા તેમને જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા એસઆઇઆર બાદની મતદાર યાદીનો ઉપયોગ કરવો કે પહેલાની તે અંગેનો નિર્ણય રાજ્ય ચૂંટણી પંચ લેતું હોય છે. હાલમાં 1 ઓક્ટોબરની સ્થિતિએ તૈયાર મતદાર યાદી તૈયાર હોવાનું તેમને જણાવ્યું હતું.
રાજકોટ મહાપાલિકાની મુદત 11 માર્ચે થઈ રહી છે પૂર્ણ
આવતાં વર્ષે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પણ આવી રહી છે ત્યારે ચાલુ ટર્મની બોડીની મુદત ૧૧ માર્ચ-૨૦૨૬ના પૂર્ણ થઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. જો કે ગત ટર્મમાં કોરોનાકાળ હોવાને કારણે ચૂંટણી પાછી ઠેલાઈ હતી પરંતુ આ વર્ષે એવું ન હોય બધું સમુસુતરું પાર પડયું તો જાન્યુઆરીના અંતમાં મતદાન થઈ શકે છે. આ ચૂંટણી અને એસઆઈઆરની પ્રક્રિયાને કશુ લાગતું-વળગતું ન હોવાનું પણ જાણકારોએ જણાવ્યું હતું.
