હવે ખાનગી હોસ્પિટલો દાદાગીરી બંધ થશે !! હોસ્પિટલના મેડિકલમાંથી જ દવા લેવાની ફરજ નહીં પાડી શકાય, વાંચો પરિપત્ર
હવે ખાનગી હોસ્પિટલો દાદાગીરી બંધ થશે. હોસ્પિટલો પોતાના જ મેડિકલમાંથી દવા ખરીદવા દર્દીઓને ફરજ નહીં પાડી શકે. રાજ્યમાં પોતાના જ મેડિકલમાંથી દવા લેવા દબાણ કરતી હોસ્પિટલો સામે સરકારે એક્શન લીધા છે. મોટાભાગની હોસ્પિટલોમાં ઈન હાઉસ મેડીકલ સ્ટોર જોવા મળતાં હોય છે, ત્યારે આ અંગે સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે હવેથી ખાનગી હોસ્પિટલો પોતાની જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાની ફરજ નહીં પાડી શકે. આ બાબતે ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર દ્વારા જરૂરી સૂચન કરવામાં આવ્યું છે, જેથી દર્દીઓ સરળતાથી કોઈપણ મેડીકલ સ્ટોર ખાતેથી દવા ખરીદી શકે.
રાજ્યના નાગરિકો ને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તા યુક્ત અને યોગ્ય ભાવે મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. આવામાં ખોરાક અને ઔષધ નિયમનતંત્રના કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે કે, તંત્રના ધ્યાન ઉપર આવ્યા મુજબ રાજ્યમાં આવેલ હોસ્પિટલો દ્વારા તેઓના હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા આવતા દર્દીઓને ઇન હાઉસ મેડીકલ સ્ટોર ખાતેથી જ દવા ખરીદવા ફરજ પાડવામાં આવતી હોય છે. જેથી દર્દીઓ જેનરિક દવાઓ કે અન્ય સસ્તી દવાઓ મેળવી શકતા નથી અને આર્થિક બોજો સહન કરવો પડે છે.ત્યારે હવે રાજ્ય સરકારના નિર્ણય મુજબ, હવે ખાનગી હોસ્પિટલો પોતાની જ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદવાની ફરજ નહીં પાડી શકે.
પરિપત્રમાં કરાયો આદેશ
આ પરિપત્ર મુજબ તંત્રના તાબા હેઠળના તમામ મદદનીશ કમિશનરને રાજ્યમાં આવેલી હોસ્પિટલો ખાતે ઇન હાઉસ મેડિકલ સ્ટોરમાંથી દર્દીઓને દવા ખરીદવા માટે ફરજ નહીં પાડી શકાય. જેથી દરેક ઇન હાઉસ મેડિકલ સ્ટોરના સંચાલકોએ આ પ્રકારની સૂચના મેડિકલ સ્ટોરની બહાર લગાવવાની રહેશે. આ સૂચના દવા લેવા આવનાર વ્યક્તિ સ્પષ્ટ રીતે વાંચી શકે તે મુજબ લગાવવાની રહેશે.