સમગ્ર દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે. લોકોમાં પણ ગણેશ ઉત્સવને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બધા જાણે છે કે ભગવાન ગણેશની પૂજામાં મોદકનું ઘણું મહત્વ છે. ભગવાનને મોદક અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

ગણેશ ચતુર્થીના અનુષ્ઠાનમાં મોદકનું વિશેષ સ્થાન છે. પૂજા દરમિયાન ભગવાન ગણેશને 21 મોદક ચઢાવવાનો રિવાજ છે.રાજકોટમાં અનેક સ્થળે ગણપતિ મહોત્સવ યોજાયા છે અને દરેક સ્થળે મોદક અર્પણ કરવામાં આવે છે. આ વખતે મોદકમાં પણ છપ્પન ભોગ ધરાવી શકાય એ રીતે બનાવવામાં આવ્યા છે.

અંદાજે ૨૫ પ્રકારના મોદક બનાવવામાં આવે છે અને તેમાં બાફેલા મોદક, તળેલા મોદક, ચણાના મોદક, રવા મોદક, ચોકલેટ મોદક, ખોયા મોદક, ડ્રાય ફ્રુટ મોદક, કોકોનટ મોદક, કેસર મોદક, કાજુ મોદક, મલાઈ મોદક, તલના મોદક, માવા મોદક, અંજીર મોદક, બટર સ્કોચ મોદક, ઓરેન્જ મોદક, પીસ્તા મોદક વગેરેનો સમાવેશ થાય છે.

ગણેશજીના હાથમાં મોદકનું મહત્વ
પુરાણ અનુસાર દેવતાઓએ અમૃતથી બનેલો એક મોદક દેવી પાર્વતીને ભેટ કર્યો હતો. ગણેશજીએ જ્યારે માતા પાર્વતી પાસેથી મોદકના ગુણ જાણ્યા તો તેમને ખાવાની તીવ્ર ઈચ્છા થઈ અને પ્રથમ પૂજ્ય બનીને ચતુરાઈથી તે મોદક મેળવી લીધુ. આ મોદક ખાઈને ગણેશજીને અપાર સંતુષ્ટિ થઈ અને ત્યારથી તેમનું પ્રિય બની ગયા.
ગણેશજીના હાથમાં મોદકનું મહત્વ
યજુર્વેદમાં ગણેશજીને બ્રહ્માંડના કર્તા-ધર્તા માનવામાં આવ્યા છે. તેમના હાથમાં મોદક બ્રહ્માંડનું સ્વરુપ છે, જેને ગણેશજીએ ધારણ કર્યું છે. પ્રલયકાળમાં ગણેશજી બ્રહ્માંડ રુપી મોદક ખાઈને સૃષ્ટિનો અંત લાવે છે અને પછી સૃષ્ટિના આરંભમાં બ્રહ્માંડની રચના કરે છે. ગણેશ પુરાણમાં પણ આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે ગણેશજી પરબ્રહ્મ છે.
મોદકનો અર્થ
ગણેશજીને શાસ્ત્રો અને પુરાણોમાં મંગળકારી માનવામાં આવ્યા છે. મોદક ગણેશજીના વ્યક્તિત્વને દર્શાવે છે. મોદકનો અર્થ થાય છે આનંદ આપનાર. ગણેશજી મોદક ખાઈને આનંદિત થાય છે અને ભક્તોને આનંદિત કરે છે.