અરજદારોની ‘પીડા’ નહીં, ‘સર’ મહત્ત્વનું! RMCની સેન્ટ્રલ ઝો કચેરીમાં જન્મ-મરણ વિભાગ નોધારો બન્યો : અરજદારો પરેશાન
છેલ્લા છએક મહિનાથી જેની કામગીરી પાટે ચડવાનું નામ જ લઈ રહી નથી તે રાજકોટ મહાપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં કાર્યરત જન્મ-મરણ વિભાગમાં હવે તો એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ નિર્માણ પામી ગઈ છે. અગાઉ ત્રણ-ત્રણ પોર્ટલ ઉપર કામ કરવા માટે મજબૂર બનવું પડ્યું હોવાથી અરજદારોને ધક્કા થઈ રહ્યા હતા ત્યારે હવે એસ.આઈ.આર. શરૂ થઈ જતા અહીંના 90% સ્ટાફને તેની કામગીરીમાં જોતરી દીધો હોવાને કારણે જ્યાં સુધી એસ.આઈ.આર. પૂર્ણ ન થાય ત્યાં સુધી જન્મ-મરણનો દાખલો કઢાવવા જવું જ મુનાસીબ ન હોવાનું કચેરીમાં લાગેલી લાઈન જોઈને લોકો કહી રહ્યા હતા.
જન્મ-મરણ વિભાગનું પોતાનું એક પોર્ટલ હતું જેના ઉપર સરળતાથી દાખલા નીકળી શકતા હતા. આ પછી રાજ્ય સરકારનું પોર્ટલ કાર્યરત કરવાનો આદેશ છૂટતા તેના ઉપર કામગીરી શરૂ કરાઈ હતી. આ બન્ને પોર્ટલ ઉપર વ્યવસ્થિત કામ થઈ રહ્યું હતું આમ છતાં કેન્દ્ર સરકારનું નવું સીઆરએસ પોર્ટલ માથે થોપવામાં આવતા તેના ઉપર કામ કરવું અઘરું બની ગયું હોવાથી મહત્તમ અરજદારોને કાં તો લાંબા સમય સુધી લાઈનમાં ઉભું રહેવું પડે છે કાં તો દાખલો કઢાવવા તેમજ સુધારા-વધારા કરવાનું જ ટાળવું પડી રહ્યું છે.
આ તકલીફ હજુ યથાવત જ છે ત્યાં જન્મ-મરણ વિભાગમાં કાર્યરત 11 લોકોના સ્ટાફમાંથી 9 લોકોને ચૂંટણીની મતદાર યાદી સુધારણાની કામગીરીમાં જોતરી દેવામાં આવતા શુક્રવારે તો માત્ર એક અધિકારી અને એક ક્લાર્કથી ગાડું ગબડાવવું પડતા વિભાગથી લઈ કચેરીના ગેઈટ સુધી લાઈન લાગી ગઈ હતી અને જાણે કે શાકમાર્કેટ ભરાઈ હોય તે પ્રકારે દેકારો સાંભળવા મળતો હતો. આ દેકારો પદાધિકારીઓની ઓફિસો જ્યાં આવેલી છે ત્યાં સુધી સંભળાતો હતો પરંતુ એ સમયે પદાધિકારીઓ 19 નવેમ્બરે યોજાનારી મ્યુઝિકલ નાઈટની તૈયારી કેવી ચાલે છે તેની સમીક્ષા કરવામાં વ્યસ્ત હોવાથી અરજદારોનો `અવાજ’ તેમના સુધી પહોંચ્યો ન્હોતો !
