ખાનગી જ નહીં, સિવિલ હોસ્પિટલમાં પણ ખંખેરાઈ રહ્યા છે દર્દીઓ !! દર્દીઓને ‘બ્રાન્ડનેમ’ સાથે દવા લખીને ‘ધરાર’ મેડિકલ સ્ટોરમાં ધકેલતાં કમિશનખોર તબીબો
- સુપ્રિન્ટેન્ડેન્ટ, એડિ.સુપ્રિન્ટેન્ડેટ સહિતના અધિકારીઓ હોવા છતાં આવી સ્થિતિ ?
- એસીડીટી, એન્ટીબાયોટિક, યુરિન સંબંધિત તકલીફ, ઉધરસ સહિતની દવાઓ સિવિલ પાસે નથી
- ગરીબ દર્દીઓને હોસ્પિટલ કેમ્પસમાં જ દવા ખરીદવા મજબૂર બનવું પડતું હોવા છતાં પગલાં લેવાનું કોઈને નથી સૂઝતું
- અધિકારીઓ ઉંડાણપૂર્વક તપાસ કરે તો કમિશનનો મોટો ખેલ ખુલશે તેની ગેરંટી
રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતમાં અમુક તબીબ-ફાર્મા કંપની તેમજ તબીબ-લેબોરેટરી વચ્ચે કમિશનરૂપી સેટિંગ’ હોવાને કારણે દર્દીઓ રીતસરના લૂંટાઈ રહ્યાનો પર્દાફાશવોઈસ ઓફ ડે’ દ્વારા કરવામાં આવ્યા બાદ આ ખેલ’માં સામેલ અનેક તબીબોની બોલતી બંધ થઈ જવા પામી છે. જો કે આ પ્રકારનીરમત’ માત્ર ખાનગી હોસ્પિટલના તબીબોમાં જ નહીં બલ્કે સિવિલ હોસ્પિટલમાં પણ ચાલી રહી હોવાની દૂર્ગંધ વોઈસ ઓફ ડે’ દ્વારા કરાયેલા રિયાલિટી ચેક બાદ આવી રહી છે ! સિવિલ હોસ્પિટલમાં અત્યારે સુપ્રિન્ટેન્ડેન્ટ ઉપરાંત એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ સહિતના અધિકારીઓ ઉપરાંત દર્દીઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે અલગ-અલગ અધિકારીઓની વિશાળ ફૌજ છે આમ છતાં તેમના નાક નીચે હોસ્પિટલમાં દર્દીઓનેધરાર’ ખંખેરાવું જ પડે તેવી સ્થિતિ સિવિલના તબીબો ઉભી કરી રહ્યા છે !
માત્ર સરકારી જ નહીં બલ્કે ખાનગી હોસ્પિટલમાં પણ તબીબો કોઈ ચોક્કસ બ્રાન્ડનેમ મતલબ કે જે-તે દવા કંપનીની જ દવા ખરીદવા માટે દર્દીને ફરજ પાડી શકતાં ન હોવાનો સરકારી પરિપત્ર અમલમાં છે પરંતુ તેનું ખાનગી હોસ્પિટલમાં ભાગ્યે જ પાલન થઈ રહ્યું છે જ્યારે સિવિલમાં પણ આ પરિપત્રનો રીતસરનો ઉલાળિયો થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. વોઈસ ઓફ ડે’ના રિયાલિટી ચેકમાં ઉડીને એક વાત આંખે વળગી કે ઓપીડીમાં ફરજ બજાવતાં રેસિડેન્ટ તબીબો દ્વારા એક-બે નહીં બલ્કે સાત પ્રકારની એવી દવા દર્દીને લખી આપી કે જે સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ ન્હોતી જેના કારણે દર્દીઓએધરાર’ તે દવાની ખરીદી મેડિકલ સ્ટોરમાંથી કરવી પડી હતી. સિવિલ હોસ્પિટલમાં જ એક પ્રાઈવેટ મેડિકલ સ્ટોર આવેલો છે જ્યાંથી દર્દીઓ દવા ખરીદી રહેલા જોવા મળ્યા હતા.
વળી, આ દવા કોઈ અન્ય બીમારીની નહીં બલ્કે એસીડીટી, એન્ટીબાયોટિક, ઉધરસ, પેશાબ સંબંધિત તકલીફ, કોગળા કરવા સહિતની બીમારીની હતી જે સિવિલ હોસ્પિટલ પાસે પણ સરળતાથી ઉપલબ્ધ હોવા છતાં શા માટે તબીબો દર્દીઓને બહારથી ખરીદી કરવા માટે મજબૂર કરતાં હશે તે તો લખનાર તબીબ જ જાણતા હોવા જોઈએ. આ જોતાં છાતી ઠોકીને કહી શકાય કે એસીડીટી સહિતની દવા બહારથી લખી આપનાર તબીબનું મેડિકલ સ્ટોર સાથે કમિશનરૂપી સેટિંગ હોવું જ જોઈએ અન્યથા આ પ્રકારે બહારથી દવા લખવાની હિંમત કરી કઈ રીતે શકે ?
જો અધિકારીઓ દ્વારા આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તો આ ખેલનો મોટો ઘટસ્ફોટ થઈ શકે તેમ છે પરંતુ આ માટે દાનત’ હોવી અત્યંત જરૂરી બની રહેશે. અત્રે એ પણ નોંધવું રહ્યું કે સિવિલમાં મહત્તમ દર્દીઓ ગરીબ જ આવતાં હોય છે અથવા તો અશિક્ષિત હોવાને કારણે તબીબો દ્વારા ખેલાઈ રહેલો આખેલ’ તેમને સમજ પડી રહ્યો નથી એટલા માટે તે તો ડૉક્ટરે લખી આપેલું લખાણ પથ્થરની લકીર સમજીને ડૉક્ટર કહે ત્યાંથી દવા ખરીદી લેતાં હોય છે. આ દવા ગમે એટલા રૂપિયાની આવે પરંતુ દર્દીએ તેને ખરીદવી જ પડે છે પછી ભલે તેણે ઉધાર-ઉછીના કરવા પડે તો એ પણ કરી લ્યે છે પરંતુ દર્દીઓની આ પ્રકારે હાલત કરવામાં તબીબોનો જ મોટો હાથ હોય છે.
બહારથી દવા લખવી જ નહીં તેવો પરિપત્ર અમલી છે: ડૉ.ક્યાડા
આ અંગે સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટે ડૉ.હેતલ ક્યાડાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે સિવિલના તબીબો બ્રાન્ડનેમ સાથે દવા લખી જ ન શકે તે નિયમ વર્ષોથી અમલમાં છે. આ ઉપરાંત તેમણે એમ પણ ઉમેર્યું કે પખવાડિયા પહેલાં જ એવો પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો કે એક પણ તબીબે દર્દીને બહારથી દવા લખવી નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સિવિલમાંથી જ દર્દીઓને દરેક પ્રકારની દવા મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે એટલા માટે કોઈ પણ દર્દીએ બહારથી દવા ખરીદવી જ પડે નહીં. આ ઉપરાંત સિવિલ સંચાલિત મેડિકલ સ્ટોર તેમજ દવાનો સંગ્રહ જ્યાં થાય છે તે સ્ટોર વચ્ચે સંકલન જાળવવા પણ ખાસ તાકિદ કરવામાં આવી છે આમ છતાં જો કોઈ તબીબ ચોક્કસ બ્રાન્ડનેમ સાથે અને તે પણ સિવિલમાં ઉપલબ્ધ હોવા છતાં બહારની દવા લખી આપતાં હોય તો તેની સામે ચોક્કસપણે કાર્યવાહી કરવામાં આવશે.