દવા જ નહીં સીટી સ્કેન-MRI રિપોર્ટમાં પણ લૂંટાઈ રહ્યા છે દર્દીઓ !! એક જ પ્રકારના રિપોર્ટનો ચાર્જ દરેક લેબોરેટરીમાં અલગ
- સૌથી વધુ `તડાકો’ ગેસ્ટ્રોસર્જનને થઈ રહ્યાનો તાલ: દર્દીઓનો સૌથી મોટો ગુનો એક જ કે તે બિમાર પડ્યા !
- ખ્યાતિ કરતાં પણ ચાર ચાસણી ચડે તેવું `કમિશનકાંડ’ રાજકોટ સહિત આખા ગુજરાતમાં વર્ષોથી ચાલે છે પણ સરકારને ક્યાં કશી પડી છે ?
- સીટી સ્કેન એક એમઆરઆઈ કરી આપતી ટ્રસ્ટ સંચાલિત લેબ જૂજ સંખ્યામાં હોય ખાનગી લેબ ખાટી જાય છે ફાયદો
રાજકોટ જ નહીં બલ્કે સમગ્ર ગુજરાતમાં બધાં નહીં બલ્કે અનેક ડૉક્ટરો તેમજ દવા કંપની વચ્ચે કમિશનરૂપી કાળો કારોબાર ચાલી રહ્યો છે તે વાત પરથી `વોઈસ ઓફ ડે’એ પરદો ઉંચકી નાખતાં અનેક કમિશનખોર તબીબોના પેટમાં તેલ રેડાયું હતું. જો કે સત્ય ક્યારેય છૂપું રહેતું જ નથી એટલા માટે તબીબોના `ખેલ’નો એક બાદ એક ઉજાગર થયા હતા. આ પછી ડૉક્ટરો અને ખાનગી લેબ વચ્ચે કમિશનના રૂપમાં `ઈલુ ઈલુ’ થઈ રહ્યાનો ઘટસ્ફોટ પણ કરવામાં આવ્યો હતો. ભલે સરકાર આ દિશામાં કાર્યવાહી કરવા માટે ઉદાસીન વલણ દાખવી રહી હોય પરંતુ દર્દીઓને `વોઈસ ઓફ ડે’ની ઝુંબેશનો જબદરસ્ત ફાયદો મળ્યો છે. અત્યારે દર્દીઓ `વોઈસ ઓફ ડે’ને ખોબલે ખોબલે આશીર્વાદ આપી રહ્યા છે ત્યારે આજના એપિસોડમાં અમે સ્પષ્ટ કહેવા માંગીએ છીએ કે દવા જ નહીં બલ્કે સીટી સ્કેન અને એમઆરઆઈ જેવા મોંઘેરા રિપોર્ટમાં પણ દર્દીઓ બેફામ લૂંટાઈ રહ્યા છે.
સૌથી મોટી આશ્ચર્યની વાત એ છે કે કોઈ દર્દીને ડૉક્ટર એમઆરઆઈ અથવા સીટી સ્કેન રિપોર્ટ કરાવવાનું લખી આપે અને દર્દી આ રિપોર્ટ લઈને અલગ-અલગ ત્રણ લેબોરેટરીમાં ફરે એટલે દરેક લેબોરેટરીનો ભાવ એકસરખો રહેવાની જગ્યાએ દરેકનો અલગ-અલગ નક્કી કરાયેલો છે. ઉદાહરણ તરીકે એક લેબોરેટરીમાં એમઆરઆઈ અથવા સીટી સ્કેનનો ચાર્જ ૧૦૦૦ રૂપિયા હોય, આ જ રિપોર્ટ લઈને દર્દી બીજી લેબોરેટરીમાં જાય તો ત્યાં ચાર્જ ૨૦૦૦ કે ૩૦૦૦ થઈ જાય છે. આટલું ઓછું હોય તેમ ત્રીજી લેબોરેટરીમાં રિપોર્ટ કરાવવા જાય તો એ જ રિપોર્ટનો ચાર્જ ૩૦૦૦થી ૪૦૦૦ રૂપિયા થઈ જાય છે ! આ પ્રકારની લાલિયાવાડી શા માટે ચાલી રહી હશે તે તો સૌ કોઈ જાણે છે પરંતુ આ બધા પાછળ ડૉક્ટરનું અલગ-અલગ લેબ સાથેનું `સેટિંગ’ મુખ્ય કારણ છે.
રિપોર્ટ કરાવવામાં દર્દીઓના ખીસ્સા ખાલી થઈ રહ્યા છે પરંતુ રેઢિયાળ, નિંભર, લપોડશંખ તંત્ર મુંગા મોઢે તમાશો નિહાળી રહ્યું છે. અત્યારે રાજકોટના લગભગ દર ચોથા અને પાંચમા વ્યક્તિને પેટની સમસ્યા સતાવી રહી હોય છે. આ કિસ્સામાં અમુક તબીબ દ્વારા દર્દીને જરૂર ન હોવા છતાં સીટી સ્કેન કરાવવા માટે ફરજ પાડવામાં આવે છે. ડૉક્ટરને `ભગવાન’નું રૂપ આપતાં હોવાને કારણે દર્દીઓ દ્વારા કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વગર ડૉક્ટરે કહ્યું એટલે કરવું જ પડશે માનીને સીટી સ્કેન કરાવવા માટે દોટ મુકતા હોય છે. બસ, આ જ વાતનો ફાયદો ડૉક્ટર અને લેબોરેટરી ઉઠાવી લ્યે છે અને પોતાના કમિશનનો ખેલ ખેલી નાખતાં હોય છે. એવું નથી કે બધા જ તબીબો કમિશનરૂપી સિન્ડીકેટમાં સામેલ છે પરંતુ અમુક તબીબો છે જેમને દર્દી ઓછા ખર્ચે સાજા થાય તેમાં નહીં બલ્કે પોતાનું ખીસ્સું ભરાય તેમાં જ રસ હોય છે !
મેડિકલ ક્ષેત્રમાં જે પ્રકારની લૂંટફાટ ચાલી રહી છે તેને જોતાં સૌ કોઈ એમ જ કહી રહ્યા છે કે અત્યારે દર્દીનો સૌથી મોટો ગુનો પોતે બિમાર પડ્યા એ જ છે. તાજેતરમાં જ અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલનાો એક કાંડ પ્રકાશમાં આવ્યો હતો જેના કારણે આખા ગુજરાતનું તબીબી ક્ષેત્ર પ્રશ્નના ઘેરામાં આવી ગયું હતું. આવું જ નહીં બલ્કે તેના કરતા પણ ચાર ચાસણી ચડે તેવું ફાર્મા કંપની અને લેબનું ડૉક્ટરો સાથે કમિશનકાંડ ચાલી રહ્યું છે આમ છતાં સરકારના પેટનું પાણી હલી રહ્યું નથી તે વરવી વાસ્તવિક્તા છે.
વળી, રાજકોટમાં સીટી સ્કેન, એમઆરઆઈ સહિતના મોંઘેરા રિપોર્ટ કરી આપતી ટ્રસ્ટ સંચાલિત લેબ બહુ જૂજ સંખ્યામાં હોવાને કારણે ખાનગી લેબોરેટરીઓ તેનો ભરપૂર લાભ ઉઠાવી રહી છે. આ વાતની અસર નફાખોર તબીબો, લેબોરેટરીઓ અને દવા કંપનીઓ પર પડી જ રહી ન હોવાને કારણે દર્દીઓ અને તેમાં પણ ખાસ કરીને ગરીબ પરિવારો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.
સિવિલમાં એમઆરઆઈ થાય છે પણ વેઈટિંગ સૌથી મોટી સમસ્યા
સરકાર જેના પાછળ વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે તે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ એવી સિવિલ હોસ્પિટલમાં એમઆરઆઈ કરવામાં આવે છે પરંતુ અહીં વેઈટિંગ સૌથી મોટી સમસ્યા હોવાની વિગતો જાણવા મળી રહી છે. બીજી બાજુ અહીં રિપોર્ટ કરાવ્યા બાદ ઘણાખરા ખાનગી તબીબો તેને માન્ય નહીં રાખતાં હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. આ ઉપરાંત સિવિલમાં સીટી સ્કેન થાય છે પરંતુ તેનો દર અત્યંત ઉંચા હોવાને કારણે દર્દીઓ ત્યાં જવાનું ટાળી રહ્યા છે.