આખા ગુજરાતમાં સાત દિવસ સામાન્ય વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘરાજાએ જાણે વિરામ લીધો હોય તેમ થોડો થોડો પડી રહ્યો છે. હાલ ગુજરાતમાં વરસાદની એક જ સિસ્ટમ છે. જેના કારણે રાજ્યમાં સાત દિવસ ગુજરાતના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં એક જૂનથી અત્યાર સુધીમાં સામાન્ય કરતા 15 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપી છે. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે તેમણે ગુજરાતમાં અત્યાર સુધીના વરસાદ અંગે જણાવ્યુ કે, 1 જૂનથી અત્યાર સુધીમાં 506 મિમી વરસાદ નોંધાયો છે. આ નોંધાયેલો વરસાદ સામાન્ય કરતા 15 ટકાથી વધારે નોંધાયો છે.
આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આજે ગુજરાતના તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. આજે વરસાદની કોઇ વોર્નિંગ નથી પરંતુ તમામ જિલ્લામાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, અત્યારે દક્ષિણ ગુજરાતમાં એક ઓફશોર ટ્રફ છે પરંતુ આ સિસ્ટમ વીક છે જેના કારણે ગુજરાતમાં હળવાથી સામાન્ય વરસાદનું જ પૂર્વાનુમાન છે. આ પહેલા પણ આ સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં હતી અને અત્યારે પણ છે.