રાજકોટના રૈયા રોડ, રેલનગર, મોરબી રોડ પર RMCના પ્લોટનું કોઇ’લેવાલ’ન મળ્યું: ઊંચી અપસેટ પ્રાઇઝ ઉપરાંત રિયલ એસ્ટેટમાં મંદી નડી ગઇ
રાજકોટ મહાપાલિકાની તિજોરીનું તળિયું દેખાવા લાગતાં મોંઘેરા સાત પ્લોટ વેચવા કાઢ્યા હતા. આ પ્લોટનું વેચાણ કરી 360 કરોડથી વધુની આવક થવાના અંદાજ સાથે હરાજીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો પરંતુ તંત્રના `ગ્રહ’ ખરાબ ચાલી રહ્યા હોય તેમ સાતમાંથી એકમાત્ર પ્લોટનું વેચાણ થઈ શક્યું હતું અને બાકીના છ પ્લોટનું કોઈ જ `લેવાલ’ ન મળતા હાલ પૂરતી આ પ્લોટની હરાજી ટાળવામાં આવી છે અને હવે ટૂંક સમયમાં શહેરના અન્ય લોકેશન ઉપર આવેલા પ્લોટની હરાજી કરવાની તજવીજ શરૂ કરાશે તેમ જાણવા મળ્યું હતું.
જે પ્લોટ નથી વેચાયા તેમાં રૈયા મેઈન રોડ પર સાવન સિગ્નેટ એપાર્ટમેન્ટની સામે આવેલો પ્લોટ કે જેનું ક્ષેત્રફળ 3221 ચોરસમીટર છે. આ ઉપરાંત 150 ફૂટ રિંગરોડ પર ફિલ્ડ માર્શલ રોડ નજીક મહાત્મા ગાંધી ટાઉનશિપ પાસેનો પ્લોટ, એચસીજી હોસ્પિટલ રોડ પર કલ્યાણમ પાર્ટી પ્લોટ સામેનો પ્લોટ, રાજકોટ-મોરબી રોડ પર પૂનમ હોલની સામેનો પ્લોટ અને સાધુ વાસવાણી કુંજ રોડ પર ભક્તિ પાર્ક સોસાયટી સામેના પ્લોટનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો :SIRમાં ગોટાળો! ફોર્મ નંબર-7 રજૂ કરનારા અરજદારોની તપાસ કરો: રાજસ્થાનના પ્રભારી-પૂર્વ MLA ઋત્વિક મકવાણાએ લગાવ્યા આક્ષેપ
આ તમામ પ્લોટનું લોકેશન તેમજ અપસેટ પ્રાઈસમાં અંતર મતલબ કે ભાવ વધુ હોવાને કારણે કોઈએ તેમાં રસ દાખવ્યો નથી. આ ઉપરાંત રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ચાલી રહેલી મંદી પણ કારણભૂત હોવાનું જણાવાયું હતું.
મહાપાલિકાનો એકમાત્ર અમીન માર્ગ-150 ફૂટ રિંગરોડના ખૂણે આવેલા પ્લોટનું 106 કરોડ રૂપિયામાં વેચાણ થયું હતું. હવે નવા પ્લોટનું લોકેશન કાઢી તેનું વેચાણ કરીને તિજોરી ભરવામાં આવશે.
હાલ તો શાસકો દ્વારા જમીન વેચીને આવક રળવાનો લક્ષ્યાંક રોળાઈ જતાં અધિકારીઓનું પૂછાણ સિવાય બીજી કશી કાર્યવાહી થઈ શકે તેમ નથી !
