પ્રીમિયમ રાહત ! રૂડામાં કપાતમાં જતી જમીનનું પ્રીમિયમ નહીં ભરવું પડે
નોન ટીપી એરીયામાં જમીન ધારકોને કપાતમાં જતી જમીન ઉપર પ્રિમિયમમાંથી મુક્તિ
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ શહેરો તથા ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં સમાવિષ્ટ નોન ટી.પી. વિસ્તારના જમીન ધારકોને હાલ ભરવા પડતા પ્રિમિયમમાં રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પગલે હવે રાજકોટ સહિત શહેરી વિકાસ સત્તામંડળો અને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં નોન ટીપી એરીયામાં જમીન ધારકોને કપાતમાં જતી 40 ટકા જમીન ઉપર હાલ ભરવા પડતા પ્રિમિયમમાંથી મુક્તિ મળશે જેથી બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિમતોમાં ઘટાડો થવાથી સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે.
ગુજરાત સરકારના મહત્વના નિર્ણય મુજબ ડી-૧ કેટેગરીમાં આવતા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (ઔડા), ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા), સુરત શહેરી વિકાસ સત્તામંડળ (સુડા), વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ (વુડા) અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રુડા) ડી-૨ કેટેગરીમાં જુનાગઢ શહેરી વિકાસ સત્તામંડળ (જુડા), જામનગર શહેરી વિકાસ સત્તામંડળ (જાડા) અને ભાવનગર શહેરી વિકાસ સત્તામંડળ (ભાડા)ના વિસ્તારો ઉપરાંત ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં નોન ટી.પી. એરીયામાં ૪૦ ટકા કપાત બાદ કરીને ૬૦ ટકા જમીનનું પ્રિમિયમ વસુલ કરવામાં આવશે.
મુખ્યમંત્રીના આ નિર્ણયને પરિણામે રાજ્યના ડી-૧ અને ડી-૨ કેટેગરીના ૮ શહેરો અને ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના વિસ્તારોમાં માત્ર તેમની પાસે રહેનારા ૪૦ ટકા કપાતના ધોરણો પછીના સુચિત પ્લોટના અંતિમ ખંડના ક્ષેત્રફળ જેટલા જ વિસ્તારનું પ્રિમિયમ ભરવાનું રહેશે.આ પ્રજાલક્ષી નિર્ણયથી નોન ટી.પી. વિસ્તારમાં ૪૦ ટકા કપાતની જમીનના ભરવાના થતા મહેસુલી પ્રિમિયમની રકમમાંથી મુક્તિ મળવાના કારણે બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિમતોમાં ઘટાડો થશે અને તેનો સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને મળેલી આ વિવિધ રજુઆતોનો સર્વગ્રાહિ અભ્યાસ કર્યા પછી તેનો સકારાત્મક પ્રતિસાદ આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.હવે જ્યાં ટી.પી. લાગુ થઈ નથી તેવા નોન ટી.પી. વિસ્તારમાં હવે પછીથી સંબંધિત સત્તામંડળ પાસેથી વેલીડેશન સર્ટિફિકેટ મેળવ્યા બાદ બાકી રહેતી ૬૦ ટકા જમીન ઉપર ખેતીથી ખેતી અને ખેતીથી બીન ખેતીનું પ્રિમિયમ વસુલ કરવાના દિશા નિર્દેશો આપ્યા છે.