નિર્લિપ્ત રાયના ખભે હવે રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર જિલ્લાની જવાબદારી: રેન્જ IG તરીકે સંભાળ્યો ચાર્જ
રાજ્યના 37 આઈપીએસ ઓફિસર્સની ગત સપ્તાહે થયેલી બદલીઓમાં રાજકોટ રેન્જના નવા આઈ.જી. તરીકે નિર્લિપ્ત રાય તેમજ રાજકોટ શહેરના એડી. પોલીસ કમિશનર તરીકે ચૈતન્ય માંડલિકના પોસ્ટિંગ થયા છે. બન્ને ઓફિસરે આજે પોતાના નવા મુકામ પર હાજર થઈને ચાર્જ સંભાળી લીધા છે. પ્રથમ દિવસથી જ એક્ટિવ મોડમાં દેખાતા તાબાના અધિકારીઓ, સ્ટાફ પણ રૂખ પારખીને કામની સ્ટાઈલ કે ચાલ બદલાવવી પડશે તેવો આંતરિક ગણગણાટ દેખાયો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવનાર નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જમાં આવતા તેઓના કામ, રીતભાત, ચાલ જાણનારાઓ રાય હાજર થાય એ પૂર્વે જ સતર્ક બની ગયા. આજે રાય પ્રથમ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓએ આવકાર્યા હતા. બપોરના અઢી વાગ્યા બાદ તેઓ ચાર્જ લેવા રેન્જ આઈ.જી. કચેરીએ પહોંચ્યા હતા. બેન્ડ, રેડ કાર્પેટ સાથે સ્વાગત થયું હતું. ચાર્જ લીધા બાદ તુરંત જ એસપી કક્ષાના ઓફિસર્સ સાથે બંધ બારણે બેઠક પણ યોજી હતી. જિલ્લાના વડાને ઉંચા અવાજે કંઈક પૂછતાછ સાંભળનારાઓ પણ ચોંકી ગયા હશે.

રાજકોટ જિલ્લામાં એએસપી તરીકે 2011માં ફરજ બજાવી ચૂકેલા અને અમદાવાદ ડીસીપી ક્રાઈમ સહિતની પોસ્ટ પર સુપેરે કામગીરી કરનારા આઈપીએસ ઓફિસર ચૈતન્ય માંડલિક પણ સોમવારે નવી પોસ્ટ એડી. સી.પી. તરીકે આરૂઢ થવા હાજર થયા હતા. તેમને રાજકોટ શહેરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા બુકે આપી આવકારાયા હતા. સર્કિટ હાઉસે આવ્યા બાદ માંડલિકે બપોર બાદ સી.પી. કચેરીએ પોતાના નવા પદનો ચાર્જ સંભાળ્યો હતો. ડીસીપી તેમજ અન્ય અધિકારીઓ સાથે પ્રાથમિક ચર્ચા-વિમર્શ સાથે શહેરનો ભૌગોલિક તેમજ કાયદો-વ્યવસ્થા સંદર્ભેનો ચિતાર મેળવ્યો હતો.
આ પણ વાંચો :મહા ગોટાળો: આંધ્રપ્રદેશમાં 70 હજાર કરોડનું GST કૌભાંડ, આવકવેરા વિભાગના દરોડા: રેસ્ટોરન્ટ્સ પર ત્રાટકી તપાસ એજન્સીઓ

નવા બન્ને અધિકારીઓની છાપ કડકાઈમાં ગણાય છે. હવે તેમના નવા સ્થાન પર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈને આરંભે કઈ રીતે ટીમ અને ફિલ્ડમાં કામ લેશે તેના પર જાણકારોની મીટ મંડાયેલી હશે.
