નવી ટેક્સટાઈલ પોલિસી જાહેર : 30 હજાર કરોડનું રોકાણ આવવાની આશા
ટેક્સટાઈલ ઉદ્યોગ માટે રાજ્યમાં સુદ્રઢ ઈકોસિસ્ટમનું નિર્માણ
રાજ્યમાં ૪૦ ટકા ફેબ્રિકનું ઉત્પાદન મેન મેઈડ ફાઈબરમાંથી થાય છે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિકાસ સપ્તાહની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત આયોજિત ઉદ્યોગ સાહસિકતા દિવસે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી ૨૦૨૪ નું લોન્ચિંગ કર્યું હતું.તેમણે રાજ્યની વિવિધ ઔદ્યોગિક વસાહતોમાં પાણી પુરવઠા, રોડ રસ્તા સહિતની સુવિધાના ૪૧૮ કરોડ રૂપિયાના વિકાસ કામોના ઈ-ખાતમૂર્હત અને રૂ. ૧૪૬ કરોડના કાર્યોના ઈ-લોકાર્પણ સંપન્ન કર્યા હતા.
મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના તેમના કાર્યકાળમાં રાજ્યના કપાસ ઉદ્યોગ અને ટેક્સટાઈલ સેક્ટરને વિશ્વ ફલક આપવા ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેનની ફાઈવ ‘F’ ફોર્મ્યુલા આધારિત ટેક્સટાઈલ પોલિસી ૨૦૧૨માં આપીને આ ઉદ્યોગને નવી દિશા આપી હતી.
તેમણે ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪ની જાહેરાત કરતા ઉમેર્યુ કે, ગુજરાતમાં ૪૦% ફેબ્રિકનું ઉત્પાદન મેન મેડ ફાઇબર માંથી થાય છે અને ટેકનિકલ ટેક્સ્ટાઇલના ઉત્પાદનમાં ગુજરાત ૨૫ ટકાનો ફાળો આપે છે. કાપડ ઉદ્યોગ રાજ્યની અર્થવ્યવસ્થા સાથે દેશની આર્થિક પ્રગતિમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
તેમણે જણાવ્યું કે આ નવી પોલીસીના પરિણામે ભવિષ્યમાં અંદાજે ૩૦,૦૦૦ કરોડ જેટલું મૂડી રોકાણ રાજ્યમાં આવશે તેમજ વડાપ્રધાનએ ગરીબ, અન્નદાતા, યુવા અને નારી શક્તિના સશક્તિકરણ માટે ગ્યાનનો જે એપ્રોચ આપનાવ્યો છે તેમાં યુવા અને મહિલાઓને રોજગારી અને કપાસ ઉત્પાદક ખેડૂતોને મહત્તમ લાભ આપવામાં આ પોલીસી ઉપયુક્ત બનશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, ઉદ્યોગ કમિશનર સંદિપ સાંગલે અને વરિષ્ઠ અધિકારીઓ સહિત ઉદ્યોગ સાહસિકો અને મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.