રાજકોટ જિલ્લા તથા તાલુકા પંચાયતનું નવું રોટેશન જાહેર : અનેકના ગણિત બદલાશે, જાણો તાલુકા-જિલ્લા પંચાયતની કઇ બેઠકો બદલાઇ?
રાજ્યના ચૂંટણી આયોગ દ્વારા રાજકોટ જિલ્લા સહિતની રાજ્યની જીલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોમાં જાહેર કરેલા નવા રોટેશનમાં રાજકોટ જીલ્લા, તાલુકા પંચાયતની બેઠકો પર લડવા માટે ઉત્સુક કે ઘોડા પલાણનારા અનેક દાવેદાર મુરતીયાના ગણિત ઉંધા પડ્યા છે. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો પૈકી 15 બેઠકો અનામત, 50 ટકા બેઠક તો સ્ત્રી અનામત હોવાથી અને બેઠકોના રોટેશન એજ થતા વર્તમાન સભ્યો, પદાધિકારીઓએ કાંતો ઘરે બેસવું પડે અથવા તો અન્ય બેઠક પર છલાંગ લગાવવી પડે તેવી સ્થિતિ થઇ પડ્યાની, આવીજ સ્થિતિ તાલુકા પંચાયતના બદલાયેલા રોટેશનથી થઇ હોવાનું રાજકીય વર્તુળોમાં ગણગણાટ ચાલ્યો છે. રાજકોટ જિલ્લા પંચાયતની બેઠકોના બદલાયેલા રોટેશનમાં વર્તમાન પ્રમુખ કુવાડવાના પ્રવિણાબેનની બેઠક ઓબીસી થઇ ગઇ છે. જ્યારે ઉપપ્રમુખ પી.જી.કયાડાની સીટ સામાન્ય સ્ત્રી કરી નખાઇ છે. આવી જ રીતે પુર્વ પ્રમુખ ગ્રામ્ય રાજકારણના કદાવર અગ્રણી ભુપત બોદરની કસ્તુરબાધામ બેઠક બક્ષીપંચ સ્ત્રી અનામત થતાં કદાચ તેઓ જો સ્ત્રી અનામત થઇ હોત તો તેમના પરિવારના કોઇ સ્ત્રીને લડાવવા પ્રયત્ન કરી શકેત પણ હવે એ પણ શકય નહીં બને. કારોબારીના પૂર્વ ચેરમેન સહદેવસિંહ જાડેજાની કોલીથડ બેઠક બક્ષીપંચ અનામત થઇ ગઇ છે. જ્યારે લોધીકાની સીટ બક્ષીપંચ અનામત કરી નખાઇ છે.
જિલ્લા પંચાયતની 36 બેઠકોમાંથી 10 ઓબીસી, 4 બેઠક અનુસુચિત જાતિ તથા જામકંડોરણાની બેઠક અનુસુચિત જનજાતિ અનામત કરાઇ છે. આવી જ રીતે રાજકોટ તાલુકા પંચાયતની બેઠકોનું પણ ચિત્ર બદલાયું છે. 22માંથી 13 બેઠકો સામાન્ય અને છ બેઠક ઓબીસી, બે અનુસુચિત જાતિ અને એક બેઠક અનુસુચિત જનજાતિ માટે અનામત કરાઇ છે. આમ, જિલ્લા પંચાયતમાં 36માંથી 15 અને તાલુકા પંચાયતમાં 22માંથી 9 બેઠક અનામત થઇ છે.
આ પણ વાંચો :રાજકોટના લાયન સફારી પાર્કનું ‘ખોખું’ માર્ચમાં તૈયાર થઈ જશે, સિંહદર્શન મે મહિનાથી થશે: પ્રદ્યુમન પાર્કમાંથી જ એક જોડી લવાશે
તાલુકા-જિલ્લા પંચાયતની કઇ બેઠકો બદલાઇ?
રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકોમાં બેડી, બેડલા, ભાડવા, બરેડી, પડધરી, મોટી પાનેલી, પારડી, પીપરડી, સુપેડી, થાણાગાલોલ તથા વીંછિયાની બેઠક સ્ત્રી અનામત કરાઇ છે. કોટડાસાંગાણી, કુવાડવા, લોધીકા, મોવીયા તથા કોલીથડ ઓબીસી પુરૂષ અને ચરખડી, દડવી, ડુમીયાણી, કમળાપુર, કસ્તુરબાધામ બેઠક ઓબીસી સ્ત્રી, આણંદપર, આટકોટ, ભડલી, પેઢલા, શિવરાજગઢ, શિવરાજપુર, વેરાવળની બેઠક બીન અનામત સામાન્ય બેઠક રહેશે. જામકંડોરણાની બેઠક અનુસુચિત જનજાતિને ફાઇવાઇ છે. જ્યારે તાલુકા પંચાયતની 22 બેઠકોમાં પરાપીપળીયા અનુસુચિત જાતિ, ગઢડા અનુસુચિત જનજાતિ, હલેન્ડા, જીયાણા, કાળીપાટ ઓબીસી, બેડલા, ભુપગઢ, ગવરીદડ ઓબીસી સ્ત્રી બેઠક, કસ્તુરબાધામ, પારેવડા ખારચીયા, ખરેડી, બામણબોર, બેડી, સરધાર સામાન્ય સ્ત્રી અનામત, કોઠારીયા, કુવાડવા, લોધીકા, માલીયાસણ, આણંદપર એક, આણંદપર-2 બિન અનામત સામાન્ય કરાઇ છે. આ બદલાયેલી બેઠકોના કારણે હાલ સભ્ય કે પદાધિકારી બનેલાઓને તેમની આ સીટ પર ચાન્સ નહીં રહે. નવી બેઠકો પર દોડવું પડશે. હજી ચૂંટણીને સહ કામગીરીને લઇને કદાચ ચારેક માસનો સમય લાગશે તેવું રાજકીય તજજ્ઞોનું કહેવું છે.
