જૂના કાટમાળનો ‘હિસાબ’ આપ્યા બાદ જ નવું બાંધકામ થઇ શકશે! રાજકોટના તત્કાલિન કમિશનર આનંદ પટેલે બનાવેલા નિયમનું પાલન આખરે શરૂ કરાયું
રાજકોટ મહાપાલિકાના અધિકારીઓ દ્વારા નિયમ તો ઘડી કાઢવામાં આવે છે પરંતુ તેનું પાલન ક્યારે શરૂ થશે તેની કોઈ જ સમયમર્યાદા નક્કી ન હોવાનું અગાઉથી બનતું આવે છે ત્યારે ફરીવાર આવું બનવા પામ્યું છે. જે-તે સમયે બાંધકામ વેસ્ટનો ગમે ત્યાં નિકાલ ન થાય તે માટે જૂનું બાંધકામ તોડ્યા બાદ તેનો કાટમાળ નાકરાવાડી ડમ્પીંગ સાઈટ પર ઠાલવ્યા બાદ તેની પહોંચ જમા કરાવાય તો જ નવા બાંધકામ માટે મુકાયેલો પ્લાન પાસ કરવો તેવો નિયમ તત્કાલિન કમિશનર આનંદ પટેલ દ્વારા નિયમ બનાવવામાં આવ્યો હતો પરંતુ અત્યાર સુધી તેનું પાલન થઈ રહ્યું ન્હોતું. જો કે હવે દરેક બાંધકામ માટે આ નિયમ અમલી બની જતાં બાંધકામ કરનારાએ ફરજિયાતપણે વેસ્ટ નાકરાવાડી ખાતે ઠાલવવો પડશે.
આ અંગે બાંધકામ શાખામાંથી જાણવા મળેલી વિગત પ્રમાણે શહેરના અનેક વિસ્તારોમાં બાંધકામનો જૂનો કાટમાળ ઠાલવી દેવામાં આવતો હોવાને કારણે તેનો નિકાલ સમયસર થઈ શકતો નથી સાથે સાથે પ્રદૂષણ અને ગંદકી પણ એટલા જ ફેલાય છે એટલા માટે હવે કોઈ આસામી જૂનું બાંધકામ તોડી તેના સ્થાને નવું બાંધકામ કરે એટલે નવા બાંધકામનો પ્લાન પાસ કરાવવાનો રહે છે. જો કે હવેથી જૂના બાંધકામનો કાટમાળ નાકરાવાડી ડમ્પીંગ સાઈટ પર ઠાલવ્યા બાદ કેટલો કાટમાળ ઠાલવ્યો તેનું વજન કરાવવાનું રહેશે સાથે સાથે જે વાહનમાં કાટમાળનો નિકાલ કરાયો તે વાહનના નંબર સહિતની વિગતો સાથેની પહોંચ નાકરાવાડી ખાતેથી આપ્યા બાદ તે પહોંચી જમા કરાવ્યા બાદ જ પ્લાન પાસ થઈ શકશે. આ ઉપરાંત મહાપાલિકા દ્વારા પ્લાન મુકનાર આસામી પાસેથી પાંચ હજારની ડિપોઝિટ પણ લેવામાં આવશે જે પહોંચ રજૂ કરાવ્યા બાદ પરત કરી દેવાશે.
આ પણ વાંચો: VIDEO: રાજકોટમાં જ્વેલર્સના શો-રૂમમાં મહિલાએ સ્ટાફની નજર ચૂકવી પેન્ડન્ટ સેટ સેરવી લીધા,ગણતરીની કલાકોમાં જ આરોપીની ધરપકડ
કાલાવડ રોડ પર અનંતાનગર સોસાયટી પાસે કાટમાળ ફેંકનારને પંદર હજારનો દંડ
મહાપાલિકા દ્વારા બાંધકામનો કાટમાળ જ્યાં ત્યાં ફેંકી દેવામાં ન આવે તે માટે વોચ રાખવામાં આવી રહી છે ત્યારે આવો જ વેસ્ટ વોર્ડ નં.8માં કાલાવડ રોડપર આવેલી અનંતાનગર સોસાયટી પાસે ખુલ્લા પ્લોટમાં ફેંકી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળતાં તંત્ર દ્વારા વેસ્ટ ફેંકનાર પાસેથી પંદર હજારના દંડની વસૂલાત કરવામાં આવી હતી.
