- ગોંડલની બદલે રાજકોટ યાર્ડમાં સૂકા મરચાની સીઝનની પ્રથમ આવક, 3151ના ભાવે મુહૂર્તના સોદા
રાજકોટ : સામાન્ય રીતે ગોંડલ યાર્ડને મરચાનું હબ ગણવામાં આવે છે પરંતુ ગુરુવારે રાજકોટ યાર્ડ ગોંડલ યાર્ડને પાછળ રાખી દે તેવો નવી સીઝનના સૂકા મરચાનો મુહૂર્તનો સોદો કરી યાર્ડમાં નવા સૂકા મરચા વેચાણ માટે આવેલ ચુડાના ચોકડી ગામના ખેડૂતને વેપારીએ 3151 રૂપિયા ઉંચો ભાવ આપતા મુહૂર્તના તીખા તમતમતા લાલ ચટક મરચા લાવનાર ખેડૂત ખુશખુશાલ બન્યા હતા.
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાના જણાવ્યા મુજબ ગુરુવારે રાજકોટ યાર્ડ ખાતે સીઝનના નવા સૂકા મરચાની આવકના શ્રીગણેશ થયા હતા. ચુડાના ચોકડી ગામના ખેડૂત જીવરાજભાઈ નવા સૂકા મરચાની 7 ભારી લાવતા 8 કવીન્ટલ જેટલા મરચાનો 3151ના ભાવે કમિશન એજન્ટ અલખધણી એન્ટરપ્રાઇઝ દ્વારા મુહૂર્તનો સોદો કરી બંસી નામની પેઢીને વેચાણ કર્યું હતું. ગત સીઝનમાં સરેરાશ લાલ મરચાના ભાવ 1100થી લઈ 3900 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. સૌથી મહત્વની બાબત એ છે કે, અત્યાર સુધી ગોંડલ યાર્ડમાં મરચાની પુષ્કળ આવક થતી હતી અને સૌપ્રથમ મુહૂર્તના સોદા પણ ગોંડલ યાર્ડમાં થતા હતા પરંતુ પાછલા વર્ષોમાં ખેડૂતો ગોંડલની જેમ જ રાજકોટ યાર્ડમાં સારા ભાવ મળતા હોય મોટાપ્રમાણમાં મરચા ઠાલવી રહ્યા છે.