આજથી નવાગામ-આણંદપર બ્રિજ ભારે વાહનો માટે બંધ : માર્ગ અને મકાન વિભાગ 100 વર્ષ જુના પુલની કરશે મરામત
વડોદરા-આણંદને જોડતો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ રાજ્યભરમાં જોખમી અને જર્જરિત પુલની તાબડતોબ ચકાસણી શરૂ થઇ છે તેવામાં રાજકોટ – અમદાવાદ હાઈવે ઉપર નવાગામ આણંદપર ગામ પાસે આવેલ 100 વર્ષ જૂનો રાજાશાહી સમયનો પુલ નબળો પડી ગયો હોય માર્ગ અને મકાન વિભાગ દ્વારા આજથી જ આ પુલ ઉપરથી ભારે વાહનોની અવર-જ્વર અટકાવી દઈ પુલની મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાનું જાહેર કર્યું છે. જો કે, અમદાવાદ હાઇવે ઉપર આવેલ આ પુલ પર ફોર વ્હીલ અને ટુ વ્હીલર વાહનો માટે રસ્તો ચાલુ રાખવામાં આવ્યો છે.

વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકારે રાજ્યના તમામ મેજર-માઇનોર પુલની ચકાસણી કરવા આદેશ આપ્યો છે ત્યારે રાજકોટ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તેમજ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તક આવેલા કુલ 414 મેજર અને માઇનોર પુલની સ્થિતિ અંગે જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ દ્વારા રિપોર્ટ મંગાવવામાં આવ્યો હતો જેમાં રાજકોટ -અમદાવાદ હાઇવે ઉપર નવાગામ આણંદપર ગામ પાસેનો રાજાશાહી સમયનો બ્રિજ પુઅર કન્ડિશનમાં હોવાનો રિપોર્ટ આવ્યો હોય ચોમાસાની સ્થિતિને લઈ માર્ગ અને મકાન વિભાગ પંચાયત હસ્તકના આ પુલને આજથી જ ભારે વાહનો માટે બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રાજકોટમાં બે ભાવેણાવાસી પોલીસને હાથ લાગ્યા’ને ‘લાખેણા’ આંકમાં કપાયા ! જાણો શું છે સમગ્ર ઘટના
વધુમાં માર્ગ અને મકાન વિભાગ પંચાયતના જણાવ્યા મુજબ નવાગામ-આણંદપર ગામ પાસે આવેલ આ બ્રિજની તાજેતરમાં જ ગાંધીનગર ડિઝાઇન સર્કલ દ્વારા વિઝીટ કરી રિપોર્ટ કરવામાં આવ્યો હતો જેમાં અંદાજે 100 વર્ષ જૂનો આ પુલ ક્રિટિકલ નહીં પરંતુ પુઅર કન્ડિશનમાં હોવાનો રિપોર્ટ આવ્યો હોય આજે 12 જુલાઈથી ભારે વાહનો માટે આ પુલ ઉપર અવર-જવર બંધ કરવામાં આવશે. જો કે, ફોર વ્હીલ અને ટુ વ્હીલર વાહનો માટે રસ્તો ચાલુ રાખવમાં આવશે.સાથે જ આજથી આ પુલ ઉપર ભારે વાહનો માટે અવર -જવર બંધ કરવા અંગે બોર્ડ લગાવી એકાદ બે દિવસમાં અહીં બેરિકેટિંગ કરી ગડર મૂકી ભારેવાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવશે.
આ પણ વાંચો : નાનાને વ્યાજના પૈસા ચૂકવવા ન પડે એટલે દોહિત્રએ જ પતાવી દીધા : રાજકોટના રૈયાધાર પાસે વૃદ્ધની હત્યાનો ભેદ આખરે ઉકેલાયો
હાલમાં પુલનું જેકેટિંગ -પ્લાસ્ટર કરાશે : નવો પુલ બનાવવા દરખાસ્ત
રાજકોટ -અમદાવાદ હાઇવે ઉપર આવેલ નવાગામ આણંદપર ગામ પાસેના રાજાશાહી સમયના પુલ ઉપર આજથી ભારે વાહન માટે પ્રવેશબંધી કરવામાં આવી છે ત્યારે 60 મીટર લંબાઈ ધરાવતો આ પુલ અંદાજે 100 વર્ષ જૂનો રાજાશાહી સમયનો હોવાનું અને ગાંધીનગર ડિઝાઇન સર્કલ દ્વારા આ પુલની મરામત કરવા માટે પણ સૂચના આપવામાં આવી હોય પ્રથમ તબક્કે જેકેટિંગ અને પ્લાસ્ટર કરવામાં આવશે. સાથે જ આ પુલને નવો બનાવવા માટે દરખાસ્ત પણ કરી દેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
