નરેન્દ્ર મોદી આજે અમરેલીમાં કરશે ‘વિકાસ મુબારક’
આજે વડાપ્રધાનના આગમનને લીધે અમરેલી જિલ્લામાં હરખની દિવાળી
4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
1094 કરોડના ખર્ચે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ થશે
દેશમાં સતત ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્રભાઈ મોદી આજે સોમવારે પહેલી વાર સૌરાષ્ટ્રનાં પ્રવાસે આવી રહ્યા છે. તેઓ અમરેલી જિલ્લા ખાતે ₹ 4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. દિવાળીના સપરમા દિવસોમાં વડાપ્રધાન અમરેલી પંથકમાં આવી રહ્યા હોવાથી લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડાપ્રધાન બપોરે ૨-૪૫ વાગ્યાની આસપાસ વડોદરાથી અમરેલી પહોંચશે અને ત્યાં દુધાળા ખાતે ભારત માતા સરોવરનું લોકાર્પણ કરશે. આ પછી ૩-૧૫ વાગ્યે લાઠી ખાતે એક જાહેરસભાને સંબોધન કરશે અને ત્યાંથી હજારો કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ₹ 705 કરોડના પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. તેઓ અમરેલી જિલ્લાની ગાગડિયો નદી પર ₹ 35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ કરશે. આ સાથે જ તેઓ, જળસંચય વિભાગ હેઠળ ₹ 20 કરોડના પિટ રિચાર્જ, બોર રિચાર્જ, અને કૂવા રિચાર્જના 1000 કામોનું ખાતમુહુર્ત અને 590 કામોનું લોકાર્પણ પણ કરશે. વડાપ્રધાન ₹ 2800 કરોડથી વધુના નેશનલ હાઇવે ઓથોરિટી ઑફ ઇન્ડિયા (NHAI) ના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે. વધુમાં, ₹ 1094 કરોડના ખર્ચે રેલવે વિભાગ હેઠળ ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરશે.
આ વિકાસકાર્યોમાં બોટાદ જિલ્લા માટે નાવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇનનું લોકાર્પણ તેમજ ભાવનગર જિલ્લામાં પીવાના પાણી માટેની પસવી જૂથ ઓગમેન્ટેશન પાણી પુરવઠા યોજના ભાગ-2ના કામોના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે.
NHAIના લોકાર્પણના 4 વિકાસકાર્યોમાં ₹768 કરોડના ખર્ચે NH 151Aના ધ્રોળ-ભાદરા-પાટિયા સેક્શન અને ભાદરા પાટિયા – પિપળિયા સેક્શનનું ચારમાર્ગીયકરણ, ₹1025 કરોડના ખર્ચે NH 151Aના દ્વારકા-ખંભાળિયા-દેવરિયા સેક્શન- 203 કિમીથી 176 કિમી અને 171 કિમીથી 125 કિમી સેક્શનનું ચારમાર્ગીયકરણ, ₹136 કરોડના ખર્ચે NH 51ના માધવપુરથી પોરબંદર સેક્શન (338 કિમીથી 379 કિમી)નું ચારમાર્ગીયકરણ અને ₹256 કરોડના ખર્ચે NH 151 ના જેતપુર-સોમનાથ સેક્શનના ચારમાર્ગીયકરણ પર જૂનાગઢ બાયપાસ સહિતના બાકી કામોના બાંધકામનો સમાવેશ થાય છે. આ સાથે જ ₹626 કરોડના ખર્ચે જામનગર જિલ્લાના ધ્રોળ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના ખૂટતા સેક્શનના ચારમાર્ગીયકરણના કામનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે.
વડાપ્રધાન ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે. ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ ₹1094 કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યો છે.આ સાથે જ વડાપ્રધાન પ્રવાસન સંબંધિત ₹200 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત પણ કરશે, જે હેઠળ ગુજરાતના પોરબંદર જિલ્લાના મોકરસગાર ખાતે કર્લી રિચાર્જ જળાશયનો વિશ્વસ્તરીય સસ્ટેનેબલ ઇકોટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવશે.
આમ, વડાપ્રધાન દિવાળી અને નવ વર્ષ પહેલા સૌરાષ્ટ્રના નાગરિકો માટે કરોડોના વિકાસકાર્યોની ભેટ લઇને આવશે.
બોક્સ
₹35 કરોડના ખર્ચે નિર્મિત ભારતમાતા સરોવરનું લોકાર્પણ
પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ મોડલ અન્વયે ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ₹35 કરોડના ખર્ચે લાઠીના દુધાળા ખાતે હેતની હવેલી પાસે ભારતમાતા સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. વોટરશેડ ડિપાર્ટમેન્ટ હસ્તકના 4.50 કરોડ લીટર પાણીની સંગ્રહશક્તિ ધરાવતા ચેકડેમને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા ઊંડો કરવામાં આવ્યો છે, તેની પહોળાઈ પણ વધારવામાં આવી છે, અને ચેકડેમની બંને બાજુએ માટી નાખીને તેની મજબૂતાઈમાં વધારો કરવામાં આવ્યો છે. તેના પરિણામે ચેકડેમની પાણીની સંગ્રહશક્તિમાં 20 કરોડ લીટરનો વધારો થયો છે. આ ચેકડેમને ભારતમાતા સરોવર નામ આપવામાં આવ્યું છે, અને હાલ ભારતમાતા સરોવરમાં અંદાજે 24.50 કરોડ લીટર પાણીનો સંગ્રહ થયો છે. તેના કારણે આજુબાજુના ખેતરમાં આવેલા બોર તેમજ કૂવાના પાણીના સ્તરમાં વધારો થયો છે,