ન કરે નારાયણ, જો રાજકોટના ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારમાં આગ લાગે તો હવે ફટાફટ મિનિ ફાયર ફાઇટર પહોંચશે
રાજકોટમાં TRP ગેઈમઝોન અગ્નિકાંડ બાદ ફાયરબ્રિગેડને વધુ તાકાતવર બનાવવામાં આવી રહી છે સાથે સાથે શહેરના અનેક વિસ્તારોમાં સાંકળી શેરીઓ હોવાથી આગ લાગે તો ફાયર ફાઈટર સરળતાથી પહોંચી શકતા ન હોવાને કારણે મોટી નુકસાની થઈ હોવાનું અનેકવાર બની ચૂક્યું છે. જો કે હવે સાંકળી શેરી તેમજ ટ્રાફિયુક્ત વિસ્તારો હોય ત્યાં પણ મિનિ ફાયર ફાઈટર પહોંચી શકે તે માટે 3.44 કરોડના ખર્ચે વધુ ચાર મિનિ ફાયર ફાઈટરની ખરીદી મહાપાલિકા દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : તમારા વિસ્તારના પોલીસકર્મીઓ કેવા છે? ગૃહ વિભાગ કાઢી રહ્યું છે પોલીસ અધિકારીઓની કુંડળી!
અત્યારે ફાયરબ્રિગેડ પાસે મિનિ ફાયર ફાઈટર કાફલામાં સામેલ જ છે પરંતુ તેમાંથી અમુકની આવરદા પૂર્ણ થઈ ગઈ હોવાથી નવા ખરીદ કરવા પડે તેમ હતા. આ મુદ્દાને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા 3.44 કરોડના ખર્ચે ચાર નવા વાહન ખરીદવામાં આવ્યા છે જેનું લોકાર્પણ ગુરૂવારે કાલાવડ રોડ પર આવેલા ફાયર સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે આમ તો રાજકોટના વિસ્તાર પ્રમાણે હજુ સાતથી આઠ જેટલા ફાયર સ્ટેશનની ઘટ છે જેને પૂર્ણ કરવા માટે તજવીજ ચાલી રહી છે.
