લોધિકાના વડવાજડી ગામના લોકો માટે નલ સે જલ યોજના સ્વપ્ન : સરકારની નલ સે જલ યોજનાની પોલ ખોલતા ગ્રામજનો
રાજ્ય સરકાર દ્વારા ગામડે ગામડે નલ સે જલ યોજના સાકાર કરી નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યુ હોવાના દાવાને રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના વડવાજડી ગામના લોકોએ પોકળ સાબિત કરી ચોંકવનારી રજુઆત જિલ્લા કલેકટર સમક્ષ કરી હતી. ગ્રામજનોએ જણાવ્યું હતું કે, વડવાજડી ગામે 30 વર્ષથી 70 પરિવારો જ્યાં વસવાટ કરે છે તે વિસ્તારમાં નળ કનેક્શન તો દૂરની વાત અહીં પાકા રોડ રસ્તા કે શૌચાલયની સુવિધા પણ નથી.
લોધીકા તાલુકાના વડવાજડી ગામે વસવાટ કરતા કેશુભાઈ બથવાર, મનસુખભાઇ સોલંકી અને અરવિંદભાઈ ચૌહાણ સહિતના અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓએ જિલ્લા કલેકટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરતા જણાવ્યું હતું કે, વડવાજડી ગામમાં લગભગ ૩૦ વર્ષથી અનુસૂચિત જાતિના આશરે ૭૦ પરિવારો વસવાટ કરે છે. અહીં તેમને ભુગર્ભ ગટરની યોગ્ય વ્યવસ્થા આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી ઘર સુધી નળ કનેકશન, ગેસ કનેકશન, પાકા રોડ રસ્તા તથા શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલી નથી. જેથી અમે પણ નાગરિક તરીકે પણ આપણા ગુજરાત અને ભારતના વિકાસમાં સહભાગી બનવા માંગીએ છીએ જેથી ઉપરોક્ત સુવિધાઓ આપી જીવનસ્તરમાં નોંધપાત્ર સુધારો કરવા માંગ કરી હતી.
