રાજકોટના રૈયાધાર પાસે યુવક પર ખુની હુમલો: બનાવ હત્યામાં પલટાયો,ભાવેશ વણવીનું મોત, પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર
રાજકોટમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. શહેરના રૈયાધાર વિસ્તારમાં ડ્રીમ સિટી નજીક વિવાદાસ્પદ ઈસમ ભાવેશ ડાયાભાઈ વાણવી (ઉ.વ. 30) તેના ભત્રીજા પ્રિન્સ સુનિલભાઈ વણવી (ઉ.વ. 17, રહે. બંને રામેશ્વર સાંઈદર્શન ફ્લેટ, બાબા સીતારામ ચોક, રૈયા રોડ) પર રાત્રીના ઘાતકી હથિયારો વડે ખૂની હુમલો કરી ભાવેશની હત્યા નિપજાવવાનો પ્રયાસ થયાની ઘટના યુનિવર્સિટી રોડ પોલીસ મથકમાં નોંધાઈ છે.

ત્યારે યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. ત્યારે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ભાવેશ પર હુમલો કરનારા શખસો રૈયાધાર વિસ્તારના સાગર, હમીર, રવિ, ગોપાલ અને લાલો ભરવાડ સહિતના ઈસમો હોવાનું પોલીસને જાણવા મળતા મોડી રાત્રીના કેટલાકને રાઉન્ડ-અપ કરી લેવાયાનું જાણવા મળે છે.
શું છે સમગ્ર મામલો?
પોલીસના વર્તુળોમાંથી મળેલી પ્રાથમિક વિગતો મુજબ કાકો-ભત્રીજો ભાવેશ અને પ્રિન્સ તેમજ ભાવેશનો પરિચિત રાહુલ કાનજી પરમાર ત્રણેય ડ્રીમ સિટી પાસે શાંતિનગર નજીક ઉભા હતા ત્યારે રાત્રીના આરોપીઓ કાર સહિતના વાહનો ઉપર ઘસી આવ્યા હતા અને માથા સહિતના ભાગે કુહાડા જેવા ઘાતકી હથિયારના ઘા ઝીંક્યા હતા. હુમલો થતા જ રાહુલ ત્યાંથી નાસી છૂટ્યો હતો. જ્યારે કાકા-ભત્રીજા પર ખૂની હુમલો કરાયો હતો.હુમલો કર્યા બાદ આરોપીઓ ભાવેશને કારમાં નાખીને ઉઠાવી ગયા હતા. શીતલપાર્ક નજીક ભાવેશને કારમાંથી ઉતારીને આરોપીઓ નાસી છૂટ્યા હતા.
ગંભીર હાલતમાં રહેલા વિવાદીત ઈસમ ભાવેશને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. ઘાયલ સગીર પ્રિન્સને સારવારમાં સિવિલમાં લાવવામાં આવ્યો હતો. ઘટનાના પગલે ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, યુનિવર્સિટી પીઆઈ હર્ષ પટેલ તેમજ ગાંધીગ્રામ પોલીસ પણ દોડી આવી હતી. હુમલા બાબતે પોલીસે તપાસ હાથ ધરતા હુમલાખોરોમાં સાગર, હમીર, રવિ, ગોપાલ નામના ચાર ભાઈઓ અને લાલો ભરવાડ સહિતના નામો પોલીસને જાણવા મળ્યા છે.
મૃતક ભાવેશ સાથે થોડા વખત પૂર્વે જ ધમકી આપવી, ખંડણી માંગવી સહિતના ગુના નોંધાયા હતા અને પોલીસે પાસામાં મોકલ્યો હતો. ભાવેશ તાજેતરમાં જ પાસામાંથી જેલ બહાર આવ્યો હતો.
હુમલા પાછળ અન્ય કેટલાક શખસોનો પણ દોરીસંચાર કે હાથ હોવાની પોલીસને વિગતો પ્રાપ્ત થતા તે દિશામાં પણ પોલીસે સત્ય શું છે ? તે ચકાસવા માટે તપાસના ઘોડા દોડાવ્યા છે.બીજી તરફ એવી વિગત બહાર આવી છે કે, ભાવેશના પરિવારજને તાજેતરમાં જ પોલીસમાં કેટલાક વ્યક્તિ વિરૂદ્ધ અરજી કરી હતી તે બાબતે પોલીસ તપાસ ચલાવી રહી હોવાનું ડીસીપી ક્રાઈમ બાંગરવાએ સિવિલ હોસ્પિટલ ખાતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
