રાજકોટમાં પ્રેયસી બાબતે માતા-પુત્રના ઝઘડામાં વચ્ચે પડેલા ધર્મના ભાઇની હત્યા : યુવતી સહીત 3 શખસોની ધરપકડ
રાજકોટમાં શનિવારથી લઈ સોમવાર રાત સુધીના ત્રણ દિવસમાં હત્યાના એક બાદ એક ત્રણ બનાવ પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. સોમવારે સાંજના સમયે કોઠારિયા રોડપર 38 વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી અને આ હત્યાને એક યુવતી સહિત ચાર લોકોએ અંજામ આપ્યો હોવાનું સામે આવતા પોલીસે દોડધામ શરૂ કરતા ત્રણ શખસો ક્રાઈમ બ્રાન્ચના તો એક આજીડેમ પોલીસના હાથમાં આવી ગયો હતો. આ હત્યા થવાનું કારણ પ્રેયસી બાબતે માતા-પુત્ર વચ્ચે ઝઘડો થયા બાદ વચ્ચે માતાનો માનેલો ભાઈ પડતા તેને પતાવી દેવામાં આવ્યાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : સીઝન ટાણે જ ખાતરની પળોજણ : ચાર ડીલરના લાયસન્સ સસ્પેન્ડ, ખેતીવાડી શાખાનું આકરૂ પગલું
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હત્યાના મુખ્ય આરોપી ધ્રુવિન ઉર્ફે ધ્રુવ મુકેશભાઈ દુધરેજીયા (ઉ.વ.22), શ્વેતા દીપસિંગભાઈ ગોહેલ (ઉ.વ.21) અને કૌશલ ઉર્ફે બાઠિયો રાજેશભાઈ નીમાવત (ઉ.વ.20)ની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં એવો ખુલાસો થયો હતો કે શ્વેતા અને ધ્રુવિન ઉર્ફે ધ્રુવ વચ્ચે કુણા સંબંધ હતા. જો કે છેલ્લા ઘણા સમયથી ધ્રુવને શંકા હતી કે શ્વેતા જયલા નામના યુવક સાથે પણ અફેરમાં છે. આ પછી તેણે શ્વેતાને સાથે રાખી જયલાની શોધખોળ શરૂ કરી હતી જેથી બન્નેને આમને-સામને બેસાડીને પૂછી શકાય. જયલાને શોધતા શોધતા ધ્રુવ, શ્વેતા, કૌશલ તેની માતાના ઘેર પાસે પહોંચ્યા હતા અને માતા વર્ષાબેનને જયલો આ બાજુ આવ્યો હતો કે કેમ? તેવું પૂછતા માતાએ ધ્રુવને કહ્યું હતું કે પહેલાં અહીંથી શ્વેતાને રવાના કર પછી જ બીજી વાત.
આ પણ વાંચો : રાજકોટ એરપોર્ટ પર આજથી ડોમેસ્ટિક કાર્ગો સેવાનો પ્રારંભ: 10,000થી વધુ વેપારીઓ એરલાઇન્સ મારફત મોકલી શકશે પાર્સલ, ઉદ્યોગપતિઓને પણ ફાયદો
આ સાંભળી ધ્રુવ અને તેની માતા વર્ષાબેન વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી જેના કારણે પાડોશમાં જ રહેતા ભાવેશ કરુણાશંકર વ્યાસ (ઉ.વ.38)એ વચ્ચે પડીને ધ્રુવને સમજાવવાનો પ્રયાસ કરતા ક્રોધિત ધ્રુવ તેના સાગરિતો સાથે મળીને ભાવેશભાઈ ઉપર તૂટી પડયો હતો અને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. શ્વેતાએ ભાવેશને પકડી રાખ્યો હતો જ્યારે ધ્રુવ, કૌશલ ઉર્ફે બાઠિયો અને જેનિશે પાઈપ-છરીથી હુમલો કર્યો હતો. જેનિશને આજીડેમ પોલીસે પકડી પાડતા હત્યામાં સામેલ ચારેય લોકો પકડાઈ ગયા હતા.
