રાજ્યમાં મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણી જાન્યુઆરીમાં થવાની શક્યતા : ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ
હાલનાં આઠ મ્યુનિસિપલ કોર્પોરેશન અને થોડા સમય પહેલા રચાયેલા નવા નવ કોર્પોરેશનની ચૂંટણી ફેબ્રુઆરીને બદલે જાન્યુઆરીમાં યોજાવાની શક્યતા સુત્રોએ વ્યક્ત કરી છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ ચૂંટણીઓ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને નવ નવા કોર્પોરેશનો માટે સીમાંકન આદેશો જારી કરવામાં આવ્યા છે. આ નવા મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં બેઠકો અનામત રાખવા માટેની સૂચના પણ જારી કરવામાં આવી છે.ચૂંટણી પંચનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે હાલના મ્યુનિસિપલ કોર્પોરેશનોનું કોઈ સીમાંકન થશે નહીં, અને ચૂંટણીઓ હાલના માળખા અનુસાર યોજાશે.
ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ
હાલની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે જ્યારે નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વાપી, મહેસાણા, આણંદ, ગાંધીધામ, મોરબી અને નડિયાદ નવા રચાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનો છે. આ અધિકારીએ કહ્યું હતું કે, ચૂંટણી પંચ દિવાળી પછી રાજ્યમાં મતદાર યાદી સુધારણાનું કામ મોટાપાયે શરુ થવાનું છે જો કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ વર્તમાન યાદી મુજબ જ હાથ ધરવામાં આવશે. આ ચૂંટણી પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સીમા વધારવાની યોજના અંગે ચર્ચા હતી પરંતુ આ અધિકારીએ જણાવ્યું હતું કે શહેરનો વિસ્તાર પહેલેથી જ 506 ચોરસ કિલોમીટર હોવાથી સીમાંકન વધારવાની કોઈ જરૂર નથી.
નવી 9 મહાનગરપાલિકાઓની જાહેરાત
1 જાન્યુઆરી 2025 પહેલા ગુજરાત રાજ્યમાં માત્ર 8 મહાનગરપાલિકાઓ હતી. પરંતુ 1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકાર દ્વારા નવી 9 મહાનગરપાલિકાઓની જાહેરાત કરવામાં આવી હતી. હજુ સુધી આ મહાનગરપાલિકાઓ મેયર વિહોણી છે. ત્યારે આ નવી 9 મહાનગરપાલિકાઓની ચૂંટણી ક્યારે યોજાશે? તેને લઈને અનેક અટકળો વહેતી થઈ છે.
