જામકંડોરણાના અગ્નિવીર શહીદ થતા માદરે વતનમાં અંતિમ વિદાય અપાઈ : ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન વિસ્ફોટ થતા વીરગતિ પામ્યા
રાજકોટ : મહારાષ્ટ્રના નાસિક આર્ટિલરી સેન્ટરમાં ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન વિસ્ફોટ થતા ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે ફરજ બજાવતા બે જવાનો શહીદ થયા હતા જેમાં જામકંડોરણા તાલુકાના વતની અગ્નિવીર ગોહિલ વિશ્વરાજસિંહ મહિપતસિંહના પાર્થિવ દેહને શનિવારે વતન આંચવડ ખાતે વીરોચિત માન સન્માન સાથે અંતિમ વિદાય અપાઈ હતી, આ તકે કેન્દ્રીય મંત્રી, ધારસભ્ય અને કલેકટર સહિતના હાજર રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના આચવડ ગામના વતની વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે મહારાષ્ટ્રના દેવલાલી ખાતે ફરજ બજાવી રહ્યા હતા, તે દરમિયાન નાસિક આર્ટિલરી સેન્ટરમાં ફાયરિંગની પ્રેક્ટિસ દરમિયાન વિસ્ફોટ થતા તેઓ વીરગતિ પામ્યા હતા. તેમનો પાર્થિવ દેહ એમ્બ્યુલન્સ દ્વારા માદરે વતન જામકંડોરણા લાવવામાં આવ્યો હતો, જ્યાં જવાનોએ સલામી આપી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
અંતિમ દર્શન માટે જામકંડોરણા રજપૂત સમાજ ખાતે તેમના નશ્વર દેહને રાખવામાં આવ્યો હતો
કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખ માંડવીયા, રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા,જિલ્લા કલેકટર પ્રભવ જોશી, જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, પ્રાંત અધિકારી જે.એન.લીખીયા, ભૂતપૂર્વ સૈનિકો અને ગામવાસીઓ સહિત અનેક મહાનુભાવોએ શહીદ ગોહિલ વિશ્વરાજસિંહ મહિપતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી. જામકંડોરણા રજપૂત સમાજ ખાતેથી નીકળેલી ગોહિલ વિશ્વરાજસિંહ મહિપતસિંહની અંતિમયાત્રા બાદ શાસ્ત્રોકત વિધિ અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિવારના સભ્યો અને મિત્રોએ ગામના પનોતા પુત્રને ભાવભરી શ્રદ્ધાંજલિ આપી હતી ત્યારે ઉપસ્થિત તમામની આંખો ભીની થઈ ગઈ હતી.